પાણી ભરાવાને લીધે એન્ટ્રી-એક્ઝિટ માટેની બાયોમેટ્રિક સિસ્ટમ બંધ થઈ ગઈ એને લીધે સ્ટુડન્ટ્સ ફસાઈ ગયા

29 July, 2024 07:48 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં ભ્રષ્ટ પ્રશાસન અને બદમાશ માલિકની મિલીભગત બની કાતિલઃ કોચિંગ ક્લાસના બેઝમેન્ટમાં ગેરકાયદે બનાવેલી લાઇબ્રેરીમાં પાણી ભરાઈ ગયાં એમાં UPSCની પરીક્ષાની તૈયારી કરતા ત્રણ સ્ટુડન્ટ‍્સના જીવ ગયા

ગઈ કાલે દિલ્હીના રાવ’સ સ્ટડી સર્કલની બહાર વિદ્યાર્થીઓએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની તૈયારી કરવા માટે દિલ્હીના નામાંકિત રાજિન્દર નગરમાં રાવ’સ IAS સ્ટડી સર્કલના બેઝમેન્ટમાં બનેલી લાઇબ્રેરીમાં પાણી ભરાઈ જવાને કારણે UPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ સ્ટુડન્ટ્સનાં દર્દનાક મૃત્યુના એક દિવસ બાદ કોચિંગ સેન્ટરો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને કરવામાં આવતાં બાંધકામો સામે સવાલો ઊભા થયા છે.

આ ઘટનામાં જીવ ગુમાવનારા સ્ટુડન્ટ‍્સમાં તેલંગણના સિકંદરાબાદની પચીસ વર્ષની તાનિયા સોની, ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાની પચીસ વર્ષની શ્રેયા યાદવ અને કેરલાના ૨૮ વર્ષના નવીન ડેલ્વિનનો સમાવેશ છે.

પાર્કિંગના સ્થાને લાઇબ્રેરી

મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી (MCD) દ્વારા નક્કી કરાયેલા નિયમો અને ગાઇડલાઇન્સનું આ ક્લાસ-સંચાલકો સરેઆમ ઉલ્લંઘન કરતા હોવાનું જાણવા મળ્યું છે. જે બેઝમેન્ટમાં આ દુર્ઘટના બની એ પાર્કિંગ-સ્પેસ અથવા ઘરનો સામાન રાખવાની જગ્યા તરીકે ઉપયોગમાં લેવાની હતી, પણ ત્યાં ગેરકાયદે લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. રાવ’સ IAS સ્ટડી સર્કલને ઑગસ્ટ ૨૦૨૧માં નૉર્થ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી કમ્પ્લીશન કે ઑક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યું હતું. આ સર્ટિફિકેટમાં જણાવ્યા અનુસાર ત્રણ માળના આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડથી બીજા માળ સુધીનો ઉપયોગ ઑફિસ યુઝ માટે હતો. સ્ટિલ્ટ (ગ્રાઉન્ડ) અને બેઝમેન્ટનો ઉપયોગ કાર-પાર્કિંગ કે ઘરવપરાશની ચીજોના સ્ટોરેજ માટેનો હતો. કોચિંગ સેન્ટરે કાયદાની ઐસીતૈસી કરીને બેઝમેન્ટમાં લાઇબ્રેરી બનાવી દઈને સેંકડો સ્ટુડન્ટ્સના જીવ જોખમમાં મૂક્યા હતા. આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોવા છતાં બેઝમેન્ટમાં લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. શનિવારે સાંજે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો અને રાજિન્દર નગર જળબંબાકાર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

બાયોમેટ્રિક સિસ્ટમે જીવ લીધા

બેઝમેન્ટમાં બનાવવામાં આવેલી લાઇબ્રેરીમાં જવા-આવવા માટે બાયોમેટ્રિક્સ સિસ્ટમ લગાવવામાં આવી હતી. સ્ટુડન્ટ્સના ફિંગર-વેરિફિકેશનથી એમાં એન્ટ્રી કે એક્ઝિટ કરી શકાતી હતી. લાઇબ્રેરીમાં પાણી ભરાવાને કારણે એની બાયોમેટ્રિક સિસ્ટમ ખોટકાઈ ગઈ હતી. વળી વીજળીનો પુરવઠો ખોરવાઈ જવાથી એ સિસ્ટમ પડી ભાંગી હતી અને ત્રીસથી ૩૫ સ્ટુડન્ટ્સ એમાં ફસાઈ ગયા હતા અને બહાર આવી શક્યા નહોતા. સ્ટુડન્ટ્સના હોબાળા બાદ ઘણા સમય પછી લાઇબ્રેરીમાંથી પાણી બહાર કાઢવા માટે સક્શન પમ્પ લાવવામાં આવ્યા હતા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

તપાસનો આદેશ
દિલ્હીનાં મેયર શેલી ઑબેરૉયે આ દુર્ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે અને દિલ્હીમાં તમામ બેઝમેન્ટમાં ગેરકાયદે બનાવવામાં આવેલાં સ્ટડી-સેન્ટરો સામે કાર્યવાહી કરવાની પ્રશાસનને તાકીદ કરી છે.

કોચિંગ ક્લાસના વિરોધમાં FIR : તપાસ માટે સ્પેશ્યલ ટીમોનું ગઠન : સ્ટડી સેન્ટરના માલિક અને કો-ઑર્ડિનેટરની ધરપકડ

દિલ્હીમાં રાવ’સ IAS  સ્ટડી-સર્કલના બેઝમેન્ટની લાઇબ્રેરીમાં પાણી ભરાઈ જવાને કારણે ત્રણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુના એક દિવસ બાદ દિલ્હી પોલીસે આ દુર્ઘટના મુદ્દે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને આ દુર્ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ પોલીસ ટીમોનું ગઠન કર્યું છે. પોલીસે સ્ટડી સેન્ટરના માલિક અને કો-ઑર્ડિનેટરની ધરપકડ કરીને તેમની સામે સદોષ મનુષ્યવધ અને અન્ય ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો છે. આ સંદર્ભમાં એક સિનિયર પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ આખી દુર્ઘટનાની તપાસ માટે એક કરતાં વધારે ટીમો બનાવવામાં આવી છે. અમે દિલ્હી ફાયર સર્વિસિસ પાસેથી પણ બિલ્ડિંગ અને બેઝમેન્ટ સંબંધિત રિપોર્ટ મગાવ્યો છે, જેમાં સ્ટોરરૂમ તરીકે નોંધાયેલી જગ્યાનો ઉપયોગ લાઇબ્રેરી તરીકે થતો હતો. આ બેઝમેન્ટ જમીનથી આઠ ફુટ નીચે હતું અને શનિવારે જ્યારે દુર્ઘટના બની ત્યારે એમાં ૧૮થી વધારે સ્ટુડન્ટ્સ ઉપસ્થિત હતા.’ દિલ્હી પોલીસ વિભાગે જણાવ્યું હતું કે બેઝમેન્ટનો ગેટ બંધ હતો, પણ વરસાદી પાણીના વધારે પડતા દબાણને કારણે એને નુકસાન  થયું હતું અને એમાં પાણી ભરાઈ ગયું હતું. 

દુર્ઘટના માટે AAP જવાબદાર : BJPનો આરોપ

આ દુર્ઘટના માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP)ને જવાબદાર ઠરાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેમની ગેરકાળજીને લીધે આ દુર્ઘટના બની છે. BJPના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે આ અકસ્માત નથી, પણ AAP દ્વારા કરવામાં આવેલી હત્યા છે.

જૂન મહિનામાં જ કરાઈ હતી ફરિયાદ

નવી દિલ્હીના ઓલ્ડ રાજિન્દર નગરમાં એક કોચિંગ સેન્ટરમાં UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા કિશોર નામના એક સ્ટુડન્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘જો સ્થાનિક પ્રશાસને સમયસર કાર્યવાહી કરી હોત તો રાવ’સ IAS સ્ટડી સર્કલના ત્રણ સ્ટુડન્ટ્સની જિંદગી બચાવી શકાઈ હોત. મેં ૨૬ જૂને પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ પર આ સેન્ટરના વિરોધમાં ફરિયાદ કરી હતી. રાજિન્દર નગરમાં તમામ બેઝમેન્ટમાં ગેરકાયદે લાઇબ્રેરીઓ ચલાવવામાં આવે છે અને તેમણે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પણ મેળવ્યું નથી. તમામ બેઝમેન્ટમાં સીડીની પહોળાઈ પણ ઓછી છે અને એકી સમયે ઘણા સ્ટુડન્ટ્સને બહાર આવવા અને જવામાં તકલીફ થઈ શકે એમ છે.’

અધિકારીઓ લાંચ લેતા હોવાના મુદ્દે કિશોરે દાવો કર્યો હતો કે ‘મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી (MCD)ના લોકો NOC આપવા માટે લાંચ લે છે. તેઓ જેને NOC આપે છે એ જગ્યાની ફરી તેઓ તપાસ પણ કરતા નથી કે એ પણ ચેક નથી કરતા કે નિયમોનું પાલન થયું છે કે નહીં. જે હોટેલમાં હું જમવા જાઉં છું તે લોકો MCDના અધિકારીઓને ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયાની લાંચ આપે છે.’

national news delhi news new delhi delhi police Education monsoon news bharatiya janata party aam aadmi party