06 August, 2024 08:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં કોચિંગ સેન્ટરની લાઇબ્રેરીમાં ડૂબી જવાથી ત્રણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ બાદ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે કોચિંગ સેન્ટરો ડેથ-સેન્ટર બની ગયાં છે અને તેઓ બાળકોના જીવ સાથે ખેલી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે ત્રણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ વિશે કેન્દ્ર સરકાર, દિલ્હી રાજ્ય સરકાર અને દિલ્હી સુધરાઈને નોટિસો પાઠવી હતી.
રાજેન્દ્ર નગરમાં બનેલી દુર્ઘટના બાદ બેઝમેન્ટમાં ગેરકાયદે ચલાવાતાં કોચિંગ સેન્ટરોનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે જાતે જ આ દુર્ઘટના વિશે કેસ નોંધીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
કોચિંગ સેન્ટરો માટે બનાવવામાં આવેલા કાયદાનો ઉલ્લેખ કરતાં જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્વલ ભુયાને જણાવ્યું હતું કે ‘કોચિંગ સેન્ટરો સુરક્ષાના નિયમો પાળી શકતાં ન હોય તો તેમણે ઑનલાઇન અભ્યાસ કરાવવો જોઈએ. કોચિંગ સેન્ટરો ઑનલાઇન ઑપરેટ થઈ શકે છે. જો કોચિંગ સેન્ટરોમાં યોગ્ય વેન્ટિલેશન, એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ્સ અને સલામત બહાર નીકળવાની સુવિધા હોય તો તેઓ કોચિંગ સેન્ટરો ચલાવી શકે છે. અમે કોચિંગ સેન્ટરોની સુરક્ષા બાબતે ચિંતિત છીએ, તેઓ બાળકોની જિંદગી સાથે રમી રહ્યા છે.’
કોચિંગ સેન્ટરોમાં સુરક્ષાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે કે નહીં એ બાબતે તેમણે દિલ્હીના ચીફ સેક્રેટરીને નોટિસ પાઠવી હતી.