20 September, 2024 02:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આતિશી માર્લેના સિંહ
૪૩ વર્ષનાં આતિશી માર્લેના સિંહ આવતી કાલે મુખ્ય પ્રધાનપદના સોગંદ લઈને દિલ્હીનાં યંગેસ્ટ મુખ્ય પ્રધાન બનશે. ગઈ કાલે આતિશીએ પોતાની નવી કૅબિનેટ પણ ફાઇનલ કરી દીધી હતી.
આવતી કાલે આતિશીની સાથે અત્યારની અરવિંદ કેજરીવાલની કૅબિનેટના ચાર મિનિસ્ટર સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોટ, ગોપાલ રાય અને ઇમરાન હુસૈન પણ શપથ લેવાના છે. આતિશીની કૅબિનેટમાં એક નવો ચહેરો જોવા મળશે અને તે હશે સુલતાનપુર માજરા બેઠકના વિધાનસભ્ય મુકેશ અહલાવત. દલિત સમાજમાંથી આવતા મુકેશ અહલાવતને પ્રધાન બનાવ્યા બાદ પણ કૅબિનેટમાં એક મિનિસ્ટરની જગ્યા ખાલી રહેશે. દિલ્હીનાં મુખ્ય પ્રધાન બનવા જઈ રહેલાં આતિશીએ ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો હું દિલ્હીના લોકપ્રિય મુખ્ય પ્રધાન, આમ આદમી પાર્ટી (AAP)ના નૅશનલ કન્વીનર અને મારા ગુરુ અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું. તેમણે મારા પર ભરોસો મૂકીને મને બહુ જ મોટી જવાબદારી સોંપી છે. પહેલી વાર રાજકારણમાં એન્ટ્રી મારનારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવું અરવિંદ કેજરીવાલની લીડરશિપવાળી AAPમાં જ શક્ય છે. જો હું બીજી કોઈ પાર્ટીમાં હોત તો મને ચૂંટણી લડવા પણ ન મળી હોત.’