03 June, 2024 07:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જેલમાં સરેન્ડર કરવા પહેલાં અરવિંદ કેજરીવાલે રાજઘાટ જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું. એ પહેલાં તેમણે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ‘હું દેશ બચાવવા માટે જેલમાં જઈ રહ્યો છું અને મને ખબર નથી કે હું પાછો આવીશ. ત્યાં મારી સાથે શું થશે એની પણ મને ખબર નથી. ભગત સિંહે કહ્યું હતું કે જ્યારે સત્તા તાનાશાહી બની જાય છે ત્યારે જેલ જવાબદાર બને છે. દેશને આઝાદ કરાવવા માટે ભગત સિંહને ફાંસી થઈ હતી. હું પણ ફાંસીના માંચડે ચડવા તૈયાર છું. હું તાનાશાહી સામે લડી રહ્યો છું. આપણો દેશ તાનાશાહી બર્દાશ્ત કરી શકે એમ નથી.’
લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ વિશે બોલતાં કેજરીવાલે કહ્યું હતું કે ‘આ તમામ એક્ઝિટ પોલ બનાવટી છે. એક એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં BJPને ૩૩ બેઠકો આપી હતી, પણ ત્યાં ૨૫ બેઠકો પર ચૂંટણી થઈ છે. અસલી મુદ્દો એ છે કે તેમને આવું શા માટે કરવું પડે છે? તેમના પર દબાવ બનાવવામાં આવ્યો હશે.’
કેજરીવાલે સરેન્ડર કર્યા બાદ ૩૦ મિનિટમાં તેમને રાઉઝ ઍવન્યુ કોર્ટમાં વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને પાંચમી જૂન સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. EDએ કેજરીવાલની કસ્ટડી માટે અરજી કરી હતી, પણ તેમને વચગાળાની જામીન અપાતાં અરજી પેન્ડિંગ હતી.
કેજરીવાલ બપોરે ૩.૩૦ વાગ્યે રાજઘાટ ગયા હતા અને ત્યાં મહાત્મા ગાંધીની સમાધિસ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાંથી કેજરીવાલે કનૉટ પ્લેસસ્થિત હનુમાન મંદિરમાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીની ઑફિસમાં પહોંચ્યા હતા. કેજરીવાલને ૧૦ મેએ ચૂંટણીપ્રચાર કરવા માટે ૨૧ દિવસના વચગાળાના જામીન અપાયા હતા.