દિલ્હીમાં બસ માર્શલ વિવાદના વિરોધ વચ્ચે AAP મંત્રીએ પકડી લીધા ભાજપ ધારાસભ્યના પગ

06 October, 2024 04:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Bus Marshal Row: ભાજપનો આરોપ છે કે આમ આદમી પાર્ટીની સરકારે માર્શલોને હટાવવાનો નિર્ણય લીધો અને હવે તેમને ગેરમાર્ગે દોરીને દોષનો ટોપલો લેફ્ટનન્ટ ગવર્નર પર નાખવામાં આવી રહ્યો છે.

AAP મંત્રીએ પકડી લીધા ભાજપ ધારાસભ્યના પગ (તસવીર: સોશિયલ મીડિયા)

દિલ્હીમાં બસ માર્શલ્સની પુનઃસ્થાપનાને લઈને શનિવારે દિલ્હી સચિવાલયમાં ભારે હોબાળો થયો હતો. ભાજપના ધારાસભ્યોએ માર્શલોની પુનઃસ્થાપના અંગે મુખ્ય પ્રધાન સાથે મુલાકાત માટે પૂછ્યું અને શનિવારે સીએમ આતિશી મારલેનાએ તેમને અપોઈન્ટમેન્ટ આપી હતી. જ્યારે ભાજપના ધારાસભ્યો (Delhi Bus Marshal Row) સીએમને મળવા પહોંચ્યા ત્યારે AAP ધારાસભ્યો અને બસ માર્શલને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. આ બાબતે ભાજપના ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી અને બેઠક છોડીને જવા લાગ્યા જેની સાથે બસ માર્શલોએ ભાજપના ધારાસભ્યોને હાથ જોડીને બહાર ન જવાની અપીલ કરવાનું શરૂ કર્યું. ઘણી ચર્ચા પછી ભાજપના ધારાસભ્યો બેસી ગયા. આ પછી, તાત્કાલિક કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી અને કેબિનેટ નોંધ તૈયાર કરવામાં આવી હતી અને તે આપવા માટે ભાજપના ધારાસભ્યોને ઉપરાજ્યપાલના નિવાસસ્થાન પર જવા માટે કહેવામાં આવ્યું હતું.

ભાજપના ધારાસભ્યો આ માટે તૈયાર ન હતા. આ પછી ઘણો મોટો ડ્રામા થયો હતી. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપના ધારાસભ્યના પગ જ પકડી લીધા હતા. ટ્વિટર પર ફોટો જાહેર કરતી વખતે, AAPએ તેને ઐતિહાસિક ગણાવ્યું અને લખ્યું કે બસ માર્શલોની પુનઃસ્થાપના માટે શનિવારે ધારાસભ્યોની સામે કેબિનેટ નોટ પસાર કર્યા પછી, મુખ્યમંત્રી આતિશી (Delhi Bus Marshal Row) મંત્રીઓ અને ધારાસભ્યો તે નોંધ લઈને ઉપરાજ્યપાલ પાસે ગયા. બીજેપીના ધારાસભ્યોએ બચવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજ અને AAP નેતાઓએ તેમને ભાગવા દીધા ન હતા. મુખ્યમંત્રી આતિશી પોતે ભાજપના ધારાસભ્યની કારમાં લેફ્ટનન્ટ ગવર્નરના નિવાસસ્થાને ગયા હતા. જેથી ભાજપના ધારાસભ્યોને બચવાની કોઈ તક ન મળે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નરના આવાસની બહાર પણ ભારે ડ્રામા થયો હતો જે દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રસ્તા પર સૂઈ ગયેલા જોવા મળ્યા હતા.

અરવિંદ કેજરીવાલના કાર્યકાળ દરમિયાન, દિલ્હી સરકારે (Delhi Bus Marshal Row) DTC બસોમાં નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે 10 હજારથી વધુ બસ માર્શલની નિમણૂક કરી હતી. ગયા વર્ષે, સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટે વાંધો ઉઠાવ્યા બાદ આ તમામ બસ માર્શલને હટાવી દેવામાં આવ્યા હતા. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા બસ માર્શલની નિમણૂકનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ભાજપનો આરોપ છે કે આમ આદમી પાર્ટીની સરકારે માર્શલોને હટાવવાનો નિર્ણય લીધો અને હવે તેમને ગેરમાર્ગે દોરીને દોષનો ટોપલો લેફ્ટનન્ટ ગવર્નર પર નાખવામાં આવી રહ્યો છે.

આ અંગે શુક્રવારે આમ આદમી પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યોએ બસ માર્શલો (Delhi Bus Marshal Row) સાથે લેફ્ટનન્ટ ગવર્નરના આવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. આ પછી ભાજપ તરફથી મુખ્યમંત્રીને મળવા માટે સમય માગવામાં આવ્યો અને ફરી એકવાર હોબાળો મચી ગયો. ભાજપ કહે છે કે હવે તમે નાટક કરીને દિલ્હીની જનતાને ગુમરાહ કરી શકશો નહીં. બસ માર્શલને હટાવવાનો નિર્ણય દિલ્હી સરકારનો હતો અને હવે AAP નેતાઓ નિમણૂક માટે રસ્તાઓ પર નાટક કરી રહ્યા છે.

aam aadmi party delhi news bharatiya janata party political news indian politics atishi marlena singh new delhi