Delhi Bomb Threat: દિલ્હી-નોઈડાની અનેક સ્કૂલોને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી, સ્કૂલો કરાઇ ખાલી

01 May, 2024 10:05 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

Delhi Bomb Threat: દિલ્હી પોલીસનું કહેવું છે કે આ જે શાળાઓને ઈમેલ મળ્યા છે તે એક જ ઈમેલ દ્વારા ધમકીઓ મોકલવામાં આવી છે.

દિલ્હી પોલીસની ફાઇલ તસવીર

દિલ્હીમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીંની ઘણી સ્કૂલોને ધમકીભર્યા (Delhi Bomb Threat) ઈમેલ પ્રાપ્ત થયા છે. આ ઈમેલમાં એવું જણાવવામાં આવ્યું છે કે શાળાને બોમ્બથી ઉડાવી દેવમાં આવશે. 

દિલ્હીની આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

દિલ્હીના દ્વારકામાં આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Delhi Bomb Threat) આપતો મેલ પ્રાપ્ત થયો હતો. આ સાથે જ પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલને પણ આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પુષ્પ વિહાર સ્થિત સંસ્કૃતિ સ્કૂલ અને એમિટી સ્કૂલને પણ આવા જ ઈમેલ મોકલવામાં આવ્યા છે. આમ દિલ્હીની અનેક સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ આવતા જ દિલ્હી પોલીસ અલર્ટ થઈ ગઈ છે.

નોઇડાની પણ કેટલીક સ્કૂલોમાં આવી જ ધમકી આપવામાં આવી છે 

તમને જણાવી દઈએ કે દિલ્હી ઉપરાંત નોઈડાની પણ દિલ્હી પબ્લિક સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જે બાદ પોલીસ અને શાળા પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. સાવચેતીના ભાગરૂપે બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે શાળાઓમાં ધમકીઓ મળી છે ત્યાંથી બાળકોને સુરક્ષાના ભાગ રૂપે બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ સાથે જ આ તમામ સ્કૂલોમાં પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડ પહોંચી ગઈ છે અને જરૂરી તપાસ હાથ ધરી છે.

બધી જ સ્કૂલોમાં એક સરખો ઈમેલ, આખરે શું છે રહસ્ય?

દિલ્હી પોલીસનું કહેવું છે કે આ જે શાળાઓને ઈમેલ મળ્યા છે તે એક જ ઈમેલ દ્વારા ધમકીઓ (Delhi Bomb Threat) મોકલવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બની ધમકીઓ આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ગઈકાલથી અનેક જગ્યાએ ઈમેલ મોકલવામાં આવ્યા છે. આ બધા જ ઈમેલ એક સરખા પેટર્નના હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમેલમાં કોઈ ડેટલાઈન આપવામાં આવી નથી અને એક જ ઈમેલ અનેક સ્કૂલોને મોકલવામાં આવ્યો છે.

ગઈકાલે એટલે જ કે 30 એપ્રિલના રોજ દિલ્હીની ચાચા નેહરુ હોસ્પિટલ સહિત સોથી વધુ સરકારી સંસ્થાઓને આવો જ ઈમેલ મોકલાયો હતો જેમાં સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. 

જોકે, દિલ્હીની શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવતા હોય છે. ફેબ્રુઆરી મહિનામાં પણ આવો જ કિસ્સો (Delhi Bomb Threat) સામે આવ્યો હતો. જેમાં દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં આ રીતે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં સાકેતની એમિટી સ્કૂલને પણ આવો જ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં શાળા પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી.

national news delhi news new delhi noida delhi police