24 November, 2022 11:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આરોપી કેશવ (લાલ શર્ટમાં) તેની મમ્મી, બહેન, પપ્પા અને દાદી. એ બધાંની તેણે ચાકુ મારીને હત્યા કરી છે.
નવી દિલ્હી : ૨૫ વર્ષના એક ડ્રગ ઍડિક્ટ કેશવે રીહૅબિલિટેશન સેન્ટરમાંથી પાછા ફર્યાના થોડા દિવસ બાદ દિલ્હીના પાલમ વિસ્તારમાં પોતાનાં માતાપિતા, બહેન અને દાદીની હત્યા કરી હતી. કેશવે મંગળવારે રાતે ઝઘડો કર્યા બાદ સમગ્ર પરિવારની ચાકુ વડે હત્યા કરી હતી. ઘરની અલગ-અલગ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા, જેઓ લોહીથી લથપથ હતા. મરનારની ઓળખ દાદી દીવાનાદેવી, પિતા દિનેશ, મમ્મી દર્શના અને બહેન ઉર્વશીનો સમાવેશ છે. જાણવા મળ્યું છે કે આરોપી કેશવનું તાજેતરમાં બ્રેક-અપ થયું હતું એને લીધે તે વધુ નશો કરવા માંડ્યો હતો.
શ્રદ્ધા વાલકરની હત્યા તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ કરીને તેની લાશના ટુકડા સમગ્ર દિલ્હીમાં ફેંકી દીધાના સમાચાર આવ્યાના થોડા દિવસ બાદ આ ઘટના બની છે. પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે મંગળવારે રાતે ૧૦.૩૦ વાગ્યે એક ઘરના ઉપરના માળે જોરદાર ઝઘડો થયો હોવાની માહિતી મળી હતી. પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે પરિવારના ચાર સભ્યો મૃત્યુ પામેલા જોવા મળ્યા હતા. ફોન કરનાર અને તેના સંબંધીઓએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કેશવ પાસે કોઈ કાયમી નોકરી નથી. તે ગુરુગ્રામમાં એક કંપનીમાં કામ કરતો હતો અને એક મહિના પહેલાં જ તેણે નોકરી છોડી દીધી હતી. કેશવના પિતરાઈ ભાઈ કુલદીપે કહ્યું કે ‘હું રાતે ૯ વાગ્યે દુકાનથી ઘરે પહોંચ્યો ત્યારે મારી બહેને કહ્યું કે તેણે ઉર્વશીને રડતી સાંભળી હતી. હું પૂછપરછ કરવા ઉપર ગયો ત્યારે કેશવે ‘આ અમારા પરિવારનો મામલો છે’ કહીને મને ઘરમાં આવવા નહોતો દીધો. મેં પાડોશીને આ મામલે દખલ દેવા કહ્યું. એ દરમ્યાન કેશવને નીચે દોડતો જોયો અને મેં તેને પકડી લીધો હતો અને
ઘટના જાણ્યા પછી પોલીસને સોંપી દીધો હતો.’
કેશવના પિતરાઈ ભાઈએ કહ્યું કે ‘તે ડ્રગ્સનો વ્યસની હતો. થોડા દિવસ પહેલાં જ તેને રીહૅબિલિટેશન સેન્ટરમાંથી તેની મમ્મી ઘરે લાવી હતી. બીજી નવેમ્બરે તેણે પહેલા માળેથી બૅટરીની ચોરી કરી હતી.’