દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે BJPએ જાહેર કર્યો સંકલ્પપત્ર, ગર્ભવતી મહિલાઓને મળશે 21,000 રૂપિયા

18 January, 2025 01:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની થનારી ચૂંટણી માટે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સંકલ્પપત્ર જાહેર કર્યો હતો જે મહિલા કે​ન્દ્રિત હતો

પ્રતીકાત્મક તસવીર

પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની થનારી ચૂંટણી માટે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સંકલ્પપત્ર જાહેર કર્યો હતો જે મહિલા કે​ન્દ્રિત હતો. એ સંકલ્પપત્રમાં ગર્ભવતી મહિલાઓને એક વાર માટે ૨૧,૦૦૦ બાળક માટે ૫૦૦૦ અને બીજા બાળક માટે ૬૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

૨૦૨૧માં આમ આદમી પાર્ટી (AAP)એ મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, પણ નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે આ વચન પંજાબ કે દિલ્હીમાં પૂરું કરવામાં આવ્યું નથી.

BJP કયાં વચન આપ્યાં?

મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપવામાં આવશે.

BJPની સરકાર ચૂંટાઈ આવશે તો રાજ્ય સરકાર ગૅસ-સિલિન્ડર પર ૫૦૦ રૂપિયાની સબસિડી આપશે અને દિવાળી અને હોળી પર લોકોને બે ગૅસ-સિલિન્ડર મફત આપવામાં આવશે.

આ સિવાય સરકારની પહેલી કૅબિનેટ બેઠકમાં આયુષ્માન ભારત આરોગ્ય સ્કીમ દિલ્હીમાં લાગુ કરી દેશે.

સિનિયર સિટિઝનોને વધારાનું પાંચ લાખ રૂપિયાનું હેલ્થકવર આપવામાં આવશે.

વૃદ્ધ લોકોનું હેલ્થકવર દસ લાખ રૂપિયા કરી દેવામાં આવશે.

પેન્શન સ્કીમ હેઠળ ૬૦થી ૭૦ વર્ષના સિનિયર સિટિઝનોને ૨૦૦૦થી ૨૫૦૦ રૂપિયાનું પેન્શન અપાશે, ૭૦ વર્ષથી ઉપરના લોકોને ૩૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

દિવ્યાંગ અને જેનો પતિ મરી ગયો છે એવી સ્ત્રીઓને અપાતી સહાય વધારીને ૩૦૦૦ રૂપિયા કરવામાં આવશે.

દરેક ઝૂંપડપટ્ટીમાં અટલ કૅન્ટીન ખોલવામાં આવશે જેમાં પાંચ રૂપિયામાં આખું ભોજન પૂરું પાડવામાં આવશે.

AAPની સરકારે મોહલ્લા ક્લિનિકના નામે ૩૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ કરવામાં આવશે અને એમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે.

new delhi bharatiya janata party aam aadmi party punjab political news national news news