દિલ્હીની સ્કૂલગર્લ પર ફેંકાયેલું ઍસિડ ફ્લિપકાર્ટ પરથી ખરીદાયેલું

16 December, 2022 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૨ કલાકમાં જ આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી

તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી

નવી દિલ્હી : દિલ્હીમાં ૧૭ વર્ષની એક સ્કૂલગર્લ પર ઍસિડ ફેંકનારા ત્રણ યુવાન આરોપીઓએ ઑનલાઇન શૉપિંગ સાઇટ ફ્લિપકાર્ટ પરથી ઍસિડ ખરીદ્યું હતું. આ છોકરીની સ્થિતિ ગંભીર છે. આ અત્યંત ઘાતક ઍસિડ અટૅકથી પુરવાર થાય છે કે સુપ્રીમ કોર્ટે ઍસિડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ઑનલાઇન કે દુકાનમાંથી એ મેળવવું ખૂબ જ સહેલું છે. દિલ્હી મહિલા પંચે ‘સહેલાઈથી ઍસિડ અવેલેબલ રહે છે’ એ મામલે ફ્લિપકાર્ટ અને ઍમેઝૉનને નોટિસ મોકલી હતી. દિલ્હી પોલીસે પણ આ મામલે ફ્લિપકાર્ટને નોટિસ મોકલી હતી.

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ૧૨મા ધોરણની આ સ્ટુડન્ટ બુધવારે તેની સ્કૂલે જઈ રહી હતી ત્યારે બાઇક પર બે યુવાનો તેની બાજુમાંથી પસાર થયા, જેમાંથી એક જણે તેના પર ઍસિડ ફેંક્યું હતું. 
આ હુમલાનું કાવતરું ૨૦ વર્ષના સચિન અરોરાએ ઘડ્યું હતું, જેના સપ્ટેમ્બરમાં આ છોકરી સાથેના સંબંધો વણસ્યા હતા. સચિને તેના કાવતરાને પાર પાડવા માટે ૧૯ વર્ષના હર્ષિત અગરવાલ અને બાવીસ વર્ષના વિરેન્દ્ર સિંહને સાથે લીધા હતા. 

સચિન અને હર્ષિત આ સ્કૂલગર્લ પર ઍસિડ ફેંકવા ગયા હતા જ્યારે વિરેન્દ્ર સચિનનું સ્કૂટર અને મોબાઇલ ફોન અન્ય લોકેશન પર લઈ ગયો હતો, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. જોકે ૧૨ કલાકમાં જ આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. સચિને ફ્લિપકાર્ટ પરથી ઍસિડ ખરીદ્યું હતું અને તેના ઈ-વૉલેટનો ઉપયોગ કરીને રૂપિયા ચૂકવ્યા હતા. 

national news delhi news Crime News delhi police flipkart