16 November, 2024 10:57 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં કારની કેવી હાલત થઈ એ જુઓ.
દેહરાદૂનમાં મંગળવારે રાતે થયેલો એક ઍક્સિડન્ટ અત્યારે આખા દેશમાં ગાજી રહ્યો છે. પહેલી નજરે તો આ અકસ્માત બીજા ઍક્સિડન્ટ જેવો જ લાગે, પણ જેમ-જેમ એની વિગતો બહાર આવી રહી છે તેમ-તેમ એની ચોતરફ ચર્ચા થઈ રહી છે.
ઇનોવા કાર મધરાત બાદ એક વાગ્યે દેહરાદૂનના ONGC ચોક પાસે ટ્રક સાથે અથડાઈ હતી અને એમાં ટ્રાવેલ કરી રહેલા સાતમાંથી છ યંગસ્ટર્સનાં જગ્યા પર જ મૃત્યુ થયાં હતાં અને સાતમો યુવાન અત્યારે જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. આ ઍક્સિડન્ટ એવો જોરદાર હતો કે ઇનોવાના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ત્રણેક યુવાનનાં શરીરના ટુકડા થઈ ગયા હતા એટલું જ નહીં, કારની સન રૂફમાંથી હવા ખાઈ રહેલા એક યુવકનું માથું તો ધડથી છૂટું પડી ગયું હતું.
કારમાં ટ્રાવેલ કરી રહેલા સાતેય યુવાનો પાર્ટી કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. શરૂઆતમાં એવી વાત આવી હતી કે ઇનોવા અને BMW કાર વચ્ચે રેસને લીધે આ ઍક્સિડન્ટ થયો હતો. ત્યાર બાદ એવું કહેવામાં આવતું હતું કે ઓવરસ્પીડને લીધે કાર પરથી કન્ટ્રોલ ગયો અને ઍક્સિડન્ટ થયો, પણ પોલીસે આ બધી થિયરીને નકારી દીધી છે. એનું કહેવું છે કે CCTV ફુટેજ પરથી એવું સ્પષ્ટ થાય છે કે ના તો કોઈ કાર સાથે રેસ કરવામાં આવી હતી કે ના કાર ફુલ સ્પીડમાં હતી.
ઍક્સિડન્ટ પહેલાં પાર્ટી કરતા યંગસ્ટર્સનો વિડિયો વાઇરલ થયો છે
જોકે પોલીસને કારમાં બ્રેકની બાજુમાંથી એક પાણીની બૉટલ મળી છે. હવે આ બૉટલે ઍક્સિડન્ટમાં કોઈ રોલ ભજવ્યો છે કે નહીં એ તો ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહેલો યુવક ભાનમાં આવ્યા બાદ જ ખબર પડે એમ છે. આ સિવાય પોલીસનું કહેવું છે કે આખા રસ્તે આ કાર નૉર્મલ સ્પીડમાં હતી, પણ અકસ્માત થયો એના અમુક મીટર પહેલાં જ એની સ્પીડ અચાનક વધી ગઈ હતી.
ઍક્સિડન્ટમાં કુણાલ કુકરેજા (૨૩), અતુલ અગ્રવાલ (૨૪), રિષભ જૈન (૨૪), નવ્યા ગોયલ (૨૩), કામાક્ષી (૨૦), ગુણિત (૧૯)નાં મૃત્યુ થયાં હતાં; જ્યારે સિદ્ધેશ અગ્રવાલ (૨૫) સિરિયસ છે.