17 March, 2023 11:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ
નવી દિલ્હી : ભારતે દેશમાં જ વિકસાવવામાં આવેલા ૭૦,૫૮૪ કરોડ રૂપિયાના મૂલ્યના મિલિટરી હાર્ડવેર ખરીદવા માટે ગઈ કાલે મંજૂરી આપી હતી, જેનાથી ભારતમાં ડિફેન્સ સેક્ટરમાં ઉત્પાદનને નોંધપાત્ર બળ મળશે.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સંરક્ષણ સંપાદન પરિષદ દ્વારા ખરીદી માટેના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી.
પૂર્વીય લદાખમાં ચીનની સાથે વાસ્તવિક અંકુશ રેખા પર ઘર્ષણ વચ્ચે ખરીદી માટેના આ નવા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે.
૨૦૨૨-’૨૩ના નાણાકીય વર્ષ માટે ૨,૭૧,૫૩૮ કરોડ રૂપિયાના કુલ મૂડી ખર્ચ માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૯૮.૯ ટકાનું સોર્સિંગ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝમાંથી કરવામાં આવશે.
સિંહની ઑફિસમાંથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે ‘આટલા મોટા પ્રમાણમાં ઘરઆંગણેથી ડિફેન્સ ખરીદીથી ન ફક્ત ભારતીય ઉદ્યોગો આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે યોગદાન આપવા માટે પ્રેરાશે, પરંતુ સાથે જ મહદ્ અંશે ફૉરેન વેન્ડર્સ પરની ભારતની નિર્ભરતા પણ ઘટાડશે.’