લિવ-ઇન રિલેશનને રજિસ્ટર નહીં કરાવનારને છ મહિનાની જેલ શક્ય

07 February, 2024 08:59 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

આવી જોગવાઈઓ સાથેનો યુનિફૉર્મ સિવિલ કોડ ધારો ઉત્તરાખંડની વિધાનસભામાં રજૂ કરાયો

પ્રતીકાત્મક તસવીર

દેહરાદૂન : ઉત્તરાખંડ સરકાર દ્વારા ચર્ચાસ્પદ યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી) કે સમાન નાગરિકત્વ ધારાને રાજ્યની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જો એ મંજૂર થશે તો સ્વતંત્રતા પછી આવા પ્રકારનો દેશમાં આ પહેલો કાયદો હશે. આ ધારામાં લગ્ન, છૂટાછેડા, જમીન, સંપત્તિ અને વારસા સંબંધી જોગવાઈઓ તમામ નાગરિકો માટે એકસમાન કરવાનું પ્રસ્તા​વિત છે. જોકે આમાં જનજાતિઓને બાકાત રાખવામાં આવી છે. 

આ ધારામાં સૌપ્રથમ વાર લિવ-ઇન રિલેશન્સનું નિયમન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને એની પોલીસ પાસે નોંધણી કરવાનું ફરજિયાત બનાવાયું છે. આમ કરવામાં નિષ્ફળ જનારાઓને છ મહિના સુધીની જેલ કે પચીસ હજાર રૂપિયાનો દંડ કે બંનેની સજાની પણ જોગવાઈ છે. આ ઉપરાંત આવા સંબંધોને પગલે જન્મનાર બાળકને કાયદેસરનું ગણવામાં આવશે.
લિવ-ઇન રિલેશનશિપને કઈ રીતે જોવી એ વિશે ઘણાં રાજ્યો હજી મૂંઝવણમાં છે ત્યારે ઉત્તરાખંડે ચોક્કસ નિયમો ઘડવાનું નક્કી કર્યું છે. નવા ખરડા પ્રમાણે લિવ-ઇન રિલેશનશિપથી પેદાં થયેલાં બાળકોને તે દંપતીનાં કાયદેસર સંતાન ગણાશે, મહિલાને ભરણપોષણનો અધિકાર મળશે અને ક્યાંય ધમકી અથવા શોષણ થશે તો પાર્ટનરને જેલની સજા થઈ શકે છે.

ઉત્તરાખંડ પોતાનો યુનિફૉર્મ સિવિલ કૉડ લાગુ કરવા જઈ રહ્યું છે, જેમાં કોઈ પણ પાત્રની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હશે તો રજિસ્ટ્રાર દ્વારા માતા-પિતાને જાણ કરવામાં આવશે અથવા લિવ-ઇન રિલેશનશિપ ખતમ કરવામાં આવશે.

આ ખરડા પ્રમાણે ઉત્તરાખંડના રહેવાસીઓ રાજ્યની બહાર વસવાટ કરતા હશે તો પણ તેમણે ઉત્તરાખંડના રજિસ્ટ્રારને એક નિવેદન આપવું પડશે. જોકે લિવ-ઇન રિલેશનશિપનો અર્થ એવો નથી કે જે સંબંધો પર પ્રતિબંધ હોય એને લિવ-ઇનના નામે ચલાવવામાં આવે. એમાં એ બાબત જોવામાં આવશે કે બેમાંથી કમસે કમ એક પાત્ર પરિણીત હોવું ન જોઈએ. આ ઉપરાંત કોઈ વ્યક્તિના એકથી વધુ લિવ-ઇન રિલેશનશિપ ન હોઈ શકે, કોઈ પાત્ર દબાણ હેઠળ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતું હોવું ન જોઈએ. એમાં દબાણ, છેતરપિંડી કે ધાકધમકીનો ઉપયોગ કરવામાં આવશે તો ગુનો ગણાશે. 

uttarakhand uniform civil code national news