મહારાષ્ટ્રના ૪.૫૦ કરોડ સહિત ૬૬.૯ કરોડ ભારતીયોના ડેટાની ચોરી

02 April, 2023 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીએ બાયજુસ અને વેદાંતુના ૧૮ લાખ સ્ટુડન્ટ્સના રેકૉર્ડ્‍સ, કૅબ યુઝર્સના ૧.૮૪ લાખ રેકૉર્ડ્‍સ, ગુજરાત રાજ્યના અને છ શહેરોના નોકરિયાતોના ૪.૫ લાખ રેકૉર્ડ્‍સની ચોરી કરી છે

પ્રતિકાત્મક તસવીર

હૈદરાબાદ ઃ સાઇબરાબાદ પોલીસે ગઈ કાલે રાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી ડેટા ચોરીની વિગતો આપી હતી. સાઇબરાબાદ પોલીસે એક એવી વ્યક્તિની ધરપકડ કરી છે કે જે ૨૪ રાજ્યો અને આઠ મેટ્રોપૉલિટન સિટીના ૬૬.૯ કરોડ લોકો અને સંસ્થાઓના પર્સનલ અને સીક્રેટ ડેટાની ચોરી અને વેચવાના ગુનામાં સંડોવાયેલો છે. પોલીસ અનુસાર આ આરોપીએ મહારાષ્ટ્રના ૪.૫૦ કરોડ લોકો અને સંસ્થાઓ, જ્યારે ગુજરાતના ૫૬,૦૦૦ લોકોના ડેટાની ચોરી કરી છે. 
પોલીસની પ્રેસ રિલીઝ અનુસાર વિનય ભારદ્વાજ નામના આ આરોપીએ એજ્યુ-ટેક કંપનીઓના સ્ટુડન્ટ્સ, જુદાં-જુદાં રાજ્યોના જીએસટી, રોડ ટ્રાન્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન જેવા મુખ્ય સરકારી વિભાગોના ડેટા તેમ જ મુખ્ય ઈ-કૉમર્સ પોર્ટલ્સ, સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અને ફિનેટક કંપનીઓના ડેટાની ચોરી કરી છે. 
આ આરોપીએ બાયજુસ અને વેદાંતુના ૧૮ લાખ સ્ટુડન્ટ્સના રેકૉર્ડ્‍સ, કૅબ યુઝર્સના ૧.૮૪ લાખ રેકૉર્ડ્‍સ અને ગુજરાત રાજ્યના અને છ શહેરોના નોકરિયાતોના ૪.૫ લાખ રેકૉર્ડ્‍સની ચોરી કરી છે. 
આ આરોપીએ ઍમેઝૉન, નેટફ્લિક્સ, યુટ્યુબ, પેટીએમ, ફોનપે, બિગ બાસ્કેટ, જીએસટી અને આરટીઓ (સમગ્ર દેશ), બુકમાયશૉ, ઇન્સ્ટાગ્રામ, ઝોમૅટો, પૉલિસી બાઝાર અને અપસ્ટોરના કન્ઝ્યુમર-કસ્ટમર્સના ડેટા પણ મેળવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
​અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિફેન્સના જવાનો, સરકારી કર્મચારીઓ, પૅન કાર્ડધારકો, સિનિયર સિ‌ટિઝન્સ, દિલ્હી ઇલેક્ટ્રિસિટીના કન્ઝ્યુમર્સ, નીટના સ્ટુડન્ટ્સના પણ ડેટા તેણે મેળવ્યા છે. 
આ આરોપી ફરિદાબાદ, હરિયાણા ખાતે વેબસાઇટ ‘ઇન્સ્પાયરવેબ્ઝ’ દ્વારા ઑપરેટ કરતો હતો અને તે ક્લાઉડ ડ્રાઇવ લિન્ક દ્વારા ક્લાયન્ટ્સને ડેટાબેઝ વેચતો હતો.  
પોલીસે તેની પાસેથી બે મોબાઇલ ફોન્સ અને બે લૅપટૉપ્સ અને સરકારી, ખાનગી સંસ્થાઓ અને લોકોની પર્સનલ અને સંવેદનશીલ માહિતી ધરાવતો ડેટા જપ્ત કર્યો હતો. 

national news maharashtra