ઉત્તર પ્રદેશમાં દલિત યુવતીએ BJPને મત આપવાની વાત કહી, બીજા દિવસે મૃતદેહ ગૂણીમાં મળી આવ્યો

22 November, 2024 12:21 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

તેના પરિવારજનોએ સમાજવાદી પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના ગઢ મનાતા મૈનપુરી જિલ્લામાં કરહલ વિધાનસભાની પેટાચૂંટણીમાં એક દલિત યુવતીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને મત આપવાની વાત કહેતાં બે દિવસ બાદ બુધવારે આ યુવતીનો મૃતદેહ નગ્નાવસ્થામાં ગામમાં આવેલી કંજાલ નદીની કનૅલમાં એક ગૂણીમાંથી મળી આવ્યો હતો. યુવતીની હત્યાથી આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને તેના પરિવારજનોએ સમાજવાદી પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેના પર બળાત્કાર પણ થયો હોવાની આશંકા છે.

આ સંદર્ભે યુવતીના પિતાએ પોલીસ-ફરિયાદમાં કહ્યું હતું કે ‘ગામમાં સોમવારે સમાજવાદી પાર્ટીના નેતા પ્રશાંત યાદવ તેમના મોહલ્લામાં આવ્યા હતા અને તેમની દીકરીને સમાજવાદી પાર્ટીને મત આપવાની વાત કહી હતી. આ સમયે દીકરીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઘર આપ્યું છે એથી તે BJPને મત આપશે. આ વાત સાંભળતાં પ્રશાંત ગુસ્સે થઈ ગયો હતો અને સમાજવાદી પાર્ટીને જ મત આપવા દબાણ કર્યું હતું. મંગળવારની રાતે આ યુવતીનું બે જણે અપહરણ કર્યું હતું.’

આ મુદ્દે પોલીસે સમાજવાદી પાર્ટીના નેતા પ્રશાંત યાદવ અને ડૉ. મોહન પર હત્યાનો આરોપ લગાવીને બેઉની અટક કરી કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ શરૂ કરી દીધી છે.  

national news assembly elections Crime News murder case india narendra modi samajwadi party bharatiya janata party