Cyclone Michaung: ચક્રવાતી તોફાનને લઈ શું કહ્યું PM મોદીએ? કેન્દ્ર સરકાર એક્શન મોડમાં

04 December, 2023 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Cyclone Michaung: પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક વહીવટીતંત્રને ટેકો આપવા માટે પણ વિનંતી કરી.

PM નરેન્દ્ર મોદી અને વાવાઝોડાની તસવીરનો કૉલાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રવિવારે ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પોતાના સંબોધનમાં દેશવાસીઓને ચક્રવાતી તોફાન મિચોંગ (Cyclone Michaung) વિશે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને પૂર્વ કિનારે રાહત અને બચાવ કામગીરી વિશે અપડેટ મેળવી રહ્યા છે. પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી અને ઓડિશા તેમજ આંધ્રપ્રદેશના ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરવા માટે પણ અપીલ કરી હતી.

શું કહ્યું પીએમ મોદીએ?

બીજેપી હેડક્વાર્ટરમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ઉત્સાહના આ વાતાવરણ વચ્ચે ચક્રવાતી તોફાનનો ખતરો (Cyclone Michaung) પણ સર્જાઈ રહ્યો છે. આથી જ ઉજવણીના આ અવસર પર હું મારા દેશવાસીઓને ચક્રવાતી તોફાન મિચોંગને લઈને સતર્ક રહેવાની સલાહ આપું છું. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

ભાજપના કાર્યકરોને શું અપીલ કરવામાં આવી?

પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક વહીવટીતંત્રને ટેકો આપવા માટે પણ વિનંતી કરી. ગઈકાલે ત્રણ રાજ્યોમાં ભાજપ (Bharatiya Janata Party)ની જીત બાદ પીએમ મોદીએ વિજય રેલીને સંબોધતા કહ્યું કે, આ બધા આનંદ-ઉલ્લાસ વચ્ચે ચક્રવાતની સંભાવના પણ દેખાઈ રહી છે અને તેથી જ ઉજવણીની આ ક્ષણે પણ હું દેશવાસીઓને ચક્રવાત મિચોંગથી સાવચેત રહેવાની સલાહ આપીશ.

આંધ્રના સીએમ સાથે પણ કરી આ વાત 

પીએમ મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી હતી અને ચક્રવાત મિચોંગ (Cyclone Michaung)નો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. પીએમ મોદીએ ઉચ્ચ  અધિકારીઓને રાજ્યને તમામ મદદ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

ચેન્નાઈના ઘણા વિસ્તારોની ભારે વરસાદથી હાલત ખરાબ

ચક્રવાત મિચોંગ (Cyclone Michaung)ને કારણે ચેન્નાઇના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન રવિવારે ચક્રવાતી તોફાન મિચોંગમાં વધુ તીવ્ર બન્યું હતું અને તે 5 ડિસેમ્બરની બપોર દરમિયાન 80-90ની મહત્તમ પવનની ઝડપ સાથે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે એવી શક્યતા છે.

આખરે `મિચોંગ` શબ્દનો અર્થ શું થાય છે?

મ્યાનમારે આ નામ સાયક્લોનિક સ્ટોર્મ મિચાઉંગને આપ્યું છે, જેનો અંગ્રેજીમાં ઉચ્ચાર મિગજોમ થાય છે. આ શબ્દનો અર્થ લવચીકતા અને શક્તિ દર્શાવે છે. IMD અનુસાર બંગાળની ખાડી પર બનેલો લો પ્રેશર વિસ્તાર રવિવારે ચક્રવાતી તોફાન `મિચોંગ` (Cyclone Michaung)માં પરિવર્તિત થયું. તે ઉત્તર તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સમાંતર આગળ વધશે અને 5 ડિસેમ્બરના બપોર પછી નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરી શકે છે.

narendra modi chennai tamil nadu andhra pradesh national news india odisha