05 December, 2023 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વરસાદી તોફાનની પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દક્ષિણ બંગાળની ખાડી પરનો પ્રેશર એરિયા `સાયક્લોનિક સ્ટોર્મ`માં પરિવર્તિત થયો છે. જેને `મિચોંગ` (Cyclone Michaung) નામ આપવામાં આવ્યું છે. તે આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે પહોંચવાની આશા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ બાબતેની માહિતી આપી હતી.
`મિચોંગ`ની સ્થિતિ વિશે હવામાન વિભાગે કઈ માહિતી આપી છે?
હવામાન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ગંભીર ચક્રવાતી તોફાન `મિચોંગ` (Cyclone Michaung) આજે બપોરે 2.30 વાગ્યે ચેન્નાઈથી 100 કિમી ઉત્તર-પૂર્વમાં અને નેલ્લોરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પર કેન્દ્રિત છે." તે ધીમે ધીમે તીવ્ર બનશે અને ઉત્તર તરફ આગળ વધશે. આ સાથે જ 5 ડિસેમ્બરની બપોરે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે નેલ્લોર અને માછલીપટ્ટનમની વચ્ચે બાપટલા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પાર કરશે. વાવાઝોડાની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને પુડુચેરીમાં જોવા મળશે.
દરમિયાન ચક્રવાતી વાવાઝોડું `મિચોંગ` (Cyclone Michaung) આજે સવારે 8:30 વાગ્યે ચેન્નાઈથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું હતું. હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરે ઉત્તર-તટીય તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. 4 અને 5 ડિસેમ્બરના રોજ મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં વિ છે. તેમ જ કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, આ સાથે જ જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં વિ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને પુડુચેરીના મુખ્ય પ્રધાન એન. રંગસામી સાથે વાત કરી હતી. ચક્રવાત `મિચોંગ`ના કારણે પડકારરૂપ હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાંની પણ સમીક્ષા કરી હતી.
ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં પાંચ લોકોના મોત
ચક્રવાત `મિચોંગ` (Cyclone Michaung)ના કારણે ભારે વરસાદ વચ્ચે ચેન્નાઈમાં અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઝાડ પડવાની પણ દુર્ઘટના બની હતી. જેને કારણે એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ સાથે જ આ દરમિયાન ચેન્નાઈ એરફિલ્ડ પણ આજે સવારે 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા મંગળવારે ઓડિશાના પાંચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ પાંચ જિલ્લાઓમાં મલકાનગિરી, કોરાપુટ, રાયગડા, ગંજમ અને ગજપતિ જિલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે જ ભારે વરસાદને કારણે માછીમારોને 6 ડિસેમ્બર સુધી દરિયામાં ન જવા સૂચના પણ આપવામાં આવી છે.
આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી પણ વાવાઝોડાને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બાપટલા કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કાર્ય માટે તમામ જરૂરી પગલાં લીધા છે. ચક્રવાતના કારણે અધિકારીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.