06 December, 2023 10:52 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈમાં ગઈ કાલે મિચૌન્ગ ચક્રવાતી તોફાનને કારણે ભારે વરસાદમાં પોતાના ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે વિવશ વ્યક્તિ.
નવી દિલ્હી : ગંભીર ચક્રવાતી તોફાન મિચૌન્ગ ગઈ કાલે આંધ્ર પ્રદેશના દક્ષિણ કાંઠે બાપટલા પાસે ત્રાટક્યું હતું. આ ચક્રવાત તોફાનના કારણે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પૉન્ડિચેરીમાં ગંભીર સ્થિતિ છે. મિચૌન્ગના કારણે દક્ષિણ ભારતના કાંઠે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગઈ કાલે પવન ફૂંકાયો હતો, જેની સાથે પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ભારે
વિનાશ વેરાયો છે. એકલા ચેન્નઈમાં જ ભારે વરસાદના કારણે તણાવાથી, વીજળી પડવાથી, દીવાલ તૂટી પડવાથી, વૃક્ષ તૂટી પડવાથી અત્યાર સુધીમાં ઓછાંમાં ઓછાં ૧૭ જણનાં મોત થયાં છે. અધિકારીઓ ડૅમેજનું અસેસમેન્ટ કરી રહ્યા છે. ગઈ કાલે બાપટલામાં ભારે પવનની સાથે ભારે વરસાદ પડ્યો હતો. આંધ્ર પ્રદેશના આઠ એરિયા-તિરુપતિ, નેલ્લોર, પ્રકાસમ, બાપટલા, ક્રિષ્ના, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કકિનદામાં રેડ અલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. મિચૌન્ગના કારણે આ વિસ્તારોમાં ભારે વિનાશની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના સાયન્ટિસ્ટ એચઆર બિસ્વાસે કહ્યું હતું કે આ ચક્રવાતી તોફાન આગામી થોડા કલાકોમાં નબળું પડી જશે.
આંધ્ર પ્રદેશના લોકોને કોઈ રાહત નહીં
બાપટલાના લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી આંધ્ર પ્રદેશમાં ખરાબ હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં આજે ભારે પવનની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ૨૪ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ચેન્નઈ જિલ્લાના મદીપક્કમમાં ગઈ કાલે પૂરગ્રસ્ત કૉલોનીમાંથી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી રહેલા ઇન્ડિયન નેવીના જવાનો.
તામિલનાડુના લોકોની મુશ્કેલી ખૂબ વધી
તામિલનાડુમાં સાઇક્લોન મિચૌન્ગના કારણે ભારે વિકટની સ્થિતિ છે. ચેન્નઈના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબેલા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે બીજી બાજુ પાવર સપ્લાય ખોરવાઈ ગયો છે અને રેલવે અને બસ-સર્વિસિસ બંધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ લોકોની મદદે આવ્યાં છે. ચેન્નઈમાં લોકો ઑનલાઇન કનેક્ટ થયા તેમ જ ઇમર્જન્સી સિચુએશનની સાથે ડીલ કરવા માટે સિટિઝન રેસ્ક્યુ ગ્રુપ્સ બનાવ્યાં હતાં.
ચેન્નઈના તોફાનમાં ફસાયેલા આમિર ખાનનો થયો બચાવ
આમિર ખાન તેની મમ્મીની દેખરેખ માટે ચેન્નઈમાં છે અને ત્યાં હાલમાં મુશળધાર વરસાદ અને તોફાને લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. આ કુદરતી આફતે હાહાકાર મચાવી દીધો છે. સતત થઈ રહેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી જમા થઈ ગયું છે. એને કારણે સાઉથનો ઍક્ટર વિષ્ણુ વિશાલ પણ ફસાઈ ગયો હતો. જોકે કરાપક્ક્મમાં ફસાયેલા વિષ્ણુને અગ્નિશમન દળ અને બચાવ વિભાગે ઉગારી લીધો છે. એનો ફોટો વિષ્ણુએ શૅર કર્યો હતો. એ ફોટોમાં આમિર ખાન પણ દેખાય છે. એ ફોટોને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને વિષ્ણુએ પોસ્ટ કરી કે ‘અમારા જેવા ફસાયેલા લોકોની મદદ કરવા માટે અગ્નિશમન દળ અને બચાવ વિભાગનો આભાર. કરાપક્ક્મમાં બચાવ અભિયાન શરૂ થઈ ગયું છે. ત્રણ નૌકા કામ કરી રહી છે. આવા કપરા સંજોગોમાં તામિલનાડુ સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે. તમામ પ્રશાસનિક અધિકારીઓ, જે સતત કામ કરી રહ્યા છે તેમનો આભાર.’
32,158
તામિલનાડુમાં છેલ્લા બે દિવસમાં ઑથોરિટીઝે આટલા લોકોને રિલીફ કૅમ્પ્સમાં શિફ્ટ કર્યા છે. રાજ્યમાં અત્યારે ૪૧૧ રિલીફ સેન્ટર્સ છે.
29
નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની કુલ આટલી ટીમ્સને આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, તેલંગણ અને પૉન્ડિચેરીમાં રાહત અને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવી છે.
9,454
આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા શૅર કરવામાં આવેલા ડેટા અનુસાર કોનાસીમા, કકિનદા, ક્રિષ્ના, બાપટલા અને પ્રકાસમમાંથી આટલા લોકોને સુરક્ષિત રીતે ૨૧૧ રિલીફ કૅમ્પ્સમાં લઈ જવાયા છે.