21 October, 2024 11:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીના રોહિણી વિસ્તારના સેક્ટર ૧૪ના પ્રશાંત વિહારમાં આવેલી CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) સ્કૂલમાં ગઈ કાલે સવારે ૭.૪૭ વાગ્યે થયેલા ધડાકા વિશે તપાસ કરવા માટે ફૉરેન્સિક ટીમો અને વિવિધ પોલીસ ટીમો કામે લાગી છે
દિલ્હીના રોહિણી વિસ્તારના સેક્ટર ૧૪ના પ્રશાંત વિહારમાં આવેલી CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) સ્કૂલમાં ગઈ કાલે સવારે ૭.૪૭ વાગ્યે થયેલા ધડાકા વિશે તપાસ કરવા માટે ફૉરેન્સિક ટીમો અને વિવિધ પોલીસ ટીમો કામે લાગી છે અને ધડાકાનાં કારણો શોધવાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડ, ફૉરેન્સિક ટીમ અને ક્રાઇમ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ કેસમાં નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (NSG)ને પણ જાણ કરવામાં આવી હતી. ધડાકા માટે ક્રૂડ બૉમ્બનો ઉપયોગ થયો હોવાનું જણાય છે.
આ ધડાકાને કારણે સ્કૂલની દીવાલોને નુકસાન પહોંચ્યું છે, પણ કોઈ જાનહાનિ થઈ નથી. ધડાકા બાદ એ સ્થળેથી ધુમાડો જોવા મળ્યો હતો. ઘટનાસ્થળેથી સફેદ રંગના પાઉડર જેવો પદાર્થ પણ મળી આવ્યો છે.
આ મુદ્દે જાણકારી આપતાં સિનિયર પોલીસ અધિકારી અમિત ગોયલે જણાવ્યું હતું કે ‘ધડાકાનાં કારણો શોધી કાઢવા માટે નિષ્ણાતોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં કંઈ મળી આવ્યું નથી. જોકે અન્ડરગ્રાઉન્ડ સિવેજ લાઇનની તપાસ કરવામાં આવી રહી છે.’
આ ધડાકા વિશે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે સ્કૂલની આસપાસના વિસ્તારમાં ઘરોની બારીઓના અને પાર્ક કરાયેલી ગાડીઓના કાચ તૂટી ગયા હતા અને દુકાનોનાં સાઇન-બોર્ડને નુકસાન પહોંચ્યું હતું.