રેલવેપ્રધાને જણાવ્યું કે ઓડિશામાં થયેલી દુર્ઘટના માટે જવાબદાર ‘ક્રિમિનલ્સ’ની ઓળખ કરાઈ છે, રેલવે બોર્ડે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી
ભુવનેશ્વરમાં એઇમ્સ ખાતે ગઈ કાલે અકસ્માતમાં મૃત્યુ પામોલા લોકોના મૃતદેહો લઈને જતી ઍમ્બ્યુલન્સ
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે જણાવ્યું હતું કે
ઓડિશાના બાલાસોરમાં વિનાશક ટ્રિપલ ટ્રેન-અકસ્માતના કારણની ખબર પડી ગઈ છે અને એક રિપોર્ટમાં ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એક ટેક્નિકલ ખામીની ઓળખ કરી લેવામાં આવી છે. શુક્રવારે સાંજે બાલાસોર જિલ્લામાં બહાનાગા બઝાર સ્ટેશન ખાતે બે પૅસેન્જર ટ્રેન અને એક ગુડ્સ ટ્રેનનો અકસ્માત થયો હતો, જેના લીધે ૧૭ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા.
રેલવેપ્રધાને ખાસ જણાવ્યું કે આ દુર્ઘટના માટે જવાબદાર ‘ક્રિમિનલ્સ’ની ઓળખ કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે રેલવે બોર્ડે આ દુર્ઘટનાની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી છે.
રેલવે બોર્ડનાં ઑપરેશન ઍન્ડ બિઝનેસ ડેવલપમેન્ટનાં મેમ્બર જયા વર્મા સિંહાએ પણ જણાવ્યું કે ‘એને ફેલ સેફ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે એનો અર્થ એ છે કે એ ફેલ થઈ જાય તો પણ તમામ સિગ્નલ્સ રેડ થઈ જાય અને તમામ ટ્રેનો અટકી જાય. હવે જ્યારે પ્રધાને કહ્યું છે કે સિગ્નલિંગ સિસ્ટમમાં પ્રૉબ્લેમ હતો. એટલે કોઈએ કેબલ્સને જોયા વિના થોડું ખોદકામ કર્યું હશે.’
રેલવેના એક સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ‘આ સિસ્ટમની અંદરથી કે બહારથી ટેમ્પરિંગ કે ભાંગફોડનો કેસ હોઈ શકે છે. અમે કોઈ પણ શક્યતાને નકારી નથી.’
રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં રેલવેપ્રધાને કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં પૉઇન્ટ મશીન અને ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગની વાત છે. ઇન્ટરલૉકિંગમાં જે ચેન્જ કરવામાં આવ્યો એના લીધે આ દુર્ઘટના થઈ છે. જેણે પણ એ કર્યું છે અને જે પણ એની પાછળનાં કારણો છે એ તપાસમાં બહાર આવશે. તપાસ પણ પૂરી કરી દેવામાં આવી છે. સેફ્ટી કમિશનર પોતાનો રિપોર્ટ જેમ બને એમ જલદી સોંપશે. તપાસ રિપોર્ટ સોંપવામાં આવ્યા બાદ તમામ હકીકતની જાણ થઈ જશે. આ ભયાનક અકસ્માતનું મૂળ કારણ ઑલરેડી જાણી લેવાયું છે અમારો ટાર્ગેટ આ ટ્રૅક પર ટ્રેનો ફરી દોડવા લાગે એ માટેની કામગીરીને બુધવારે સવાર સુધીમાં કમ્પ્લીટ કરવાની છે.’
કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઇવરને ક્લીનચીટ આપવામાં આવી છે. કેમ કે, ટ્રેનને ગ્રીન સિગ્નલ મળ્યું હતું અને ઓવર-સ્પીડિંગ પણ નહોતું.
રેલવેના મેકઓવરના પ્લાનને આંચકો
શુક્રવારની ટ્રેન-દુર્ઘટનાથી મેકઓવર માટેના રેલવેના પ્લાનને આંચકો લાગ્યો છે.
છત્તીસગઢમાં કિરોડીમલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વડા પ્રકાશ કુમાર સેને કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેફ્ટી રેકૉર્ડમાં સુધારો થયો છે, પરંતુ હજી ઘણું કામ કરવાનું બાકી છે.’
દેશનો સૌથી જૂનો અને બિઝી રેલવે રૂટ
જ્યાં ત્રણ ટ્રેન ટકરાઈ હતી એ પૂર્વ કિનારાનો રૂટ દેશનો સૌથી જૂનો અને બિઝી રેલવે રૂટ છે. વળી, ભારતના મોટા ભાગના કોલસા અને ઑઇલ નૂરનું વહન પણ કરે છે. પ્રકાશ કુમાર સેને કહ્યું હતું કે ‘આ ટ્રૅક્સ ખૂબ જ જૂના છે. વળી, એના પર ખૂબ જ લોડ છે. જો સારી રીતે મેઇન્ટેનન્સ ન કરવામાં આવે તો દુર્ઘટના થાય.’
તપાસ પંચ માટે કેન્દ્રને આદેશ આપવા સુપ્રીમમાં અરજી કરવામાં આવી
ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન-અકસ્માતનું કારણ જાણવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપવાની માગણી કરતી જાહેર જનહિતની એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ઍડ્વોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રેલવે સિસ્ટમમાં જોખમ અને સેફ્ટીના માપદંડોની સમીક્ષા અને ઍનૅલિસિસ કરવા તેમ જ રેલવેમાં સેફ્ટી વધારવા માટે સિસ્ટમૅટિક સુધારા સૂચવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ તેમ જ ટેક્નિકલ મેમ્બર્સને સમાવતા એક એક્સપર્ટ પંચની પણ તાત્કાલિક રચના કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપવાની પણ માગણી કરવામાં આવી છે.