05 September, 2024 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં ૩૪ વર્ષની મહિલા પર ૧૧ જૂને કરવામાં આવેલા બળાત્કારના કેસમાં હાઈ કોર્ટના આદેશના ૧૯ દિવસ બાદ ઇન્દોર પોલીસે પાંચ જણ સામે બળાત્કારની ફરિયાદ નોંધી છે. જોકે કોઈની પણ ધરપકડ થઈ નથી. મહિલાનો આરોપ છે કે તેને મારવામાં આવી હતી અને નગ્નાવસ્થામાં ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
૩૪ વર્ષની મહિલાએ કરેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં જણાવ્યું છે કે તેને ૧૧ જૂને બળજબરીથી એક ગોડાઉનમાં લઈ જવામાં આવી હતી અને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, ટીવી પર વિડિયો જોઈને તેની સાથે અકુદરતી સેક્સ પણ કરવામાં આવ્યો હતો, તેને બેલ્ટથી મારવામાં આવી હતી અને અડધા કલાક સુધી તેને નગ્નાવસ્થામાં ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે સોમવારે રાતે પાંચ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જોકે આરોપીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં નહોતાં.
આ મહિલાએ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ઇન્દોર બેન્ચ સમક્ષ કરેલી પિટિશનમાં જણાવ્યું હતું કે તેણે ૧૭ જુલાઈએ કનાડિયા પોલીસ-સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, પણ પોલીસે કોઈ પગલાં લીધાં નહોતાં. આને પગલે ૧૪ ઑગસ્ટે હાઈ કોર્ટે કનાડિયા પોલીસ-સ્ટેશનના ઇનચાર્જને મહિલાની ફરિયાદ પર વિચારણા કરવા અને ૯૦ દિવસમાં યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.