જોશીમઠમાં ઘરો, દુકાનો અને રસ્તા સહિત ગમે ત્યાં પડતી તિરાડ લોકોને ડરાવી રહી છે

08 January, 2023 08:08 AM IST  |  Joshimath | Gujarati Mid-day Correspondent

જોખમી ઘરોમાં રહેતા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર : ઘરો, દુકાનો અને રસ્તાઓ પર સતત તિરાડ વધી રહી છે

જોશીમઠમાં ગઈ કાલે બૅડ‍્મિન્ટન કોર્ટમાં ડરાવનારી તિરાડ પડી. તસવીર: પી.ટી.આઇ.

જોશીમઠ : ઉત્તરાખંડમાં જોશીમઠ ધીરે-ધીરે જમીનમાં ધસી રહ્યું હોવાના કારણે ૭૦૦થી વધારે પરિવારોના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયા બાદ સરકારની ઊંઘ ઊડી છે. એક મંદિર અને અનેક ઘરો ધ્વસ્ત થઈ ગયા બાદ સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી ગઈ કાલે જોશીમઠ પહોંચ્યા હતા. તેમણે આ જોખમી ઘરોમાં રહેતા પરિવારોને તાત્કાલિક સુર​ક્ષિત સ્થળે શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. આ પરિવારોને ઍરલિફ્ટ કરવા માટે હેલિકૉપ્ટર્સ પણ રેડી પૉઝિશનમાં રાખવામાં આવ્યાં છે.

જોશીમઠમાં ઘર, દુકાન અને રસ્તા પર તિરાડ સતત વધી રહી છે. કોઈ પણ જગ્યાએ નવી-નવી તિરાડ જોવા મળી રહી છે. એ તિરાડો નાની નહીં, પરંતુ ડરાવનારી છે. લોકો ડરી ગયા છે, કેમ કે કોઈને ખબર નથી કે કોના ઘરમાં કેટલી જોખમી તિરાડ જોવા મળશે. સૌથી વધુ ડરાવનારી બાબત એ છે કે અહીં મકાનોની નીચેની માટી સતત ધસી રહી છે, જેના કારણે આ મકાનો ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે છે. અત્યાર સુધીમાં પોતાનાં ઘરો ધ્વસ્ત થવાના કારણે લગભગ ૧૦૦થી વધુ પરિવારો પોતાનાં ઘરથી દૂર બીજી જગ્યાએ જઈ ચૂક્યા છે.

મુખ્ય પ્રધાન ધામીએ કહ્યું હતું કે ‘લોકોનાં જીવન બચાવવા એ અમારી પહેલી પ્રાથમિકતા છે. જોશીમઠમાં જોખમી ઘરોમાં રહેતા લગભગ ૬૦૦ પરિવારોને સુર​ક્ષિત સ્થળે શિફ્ટ કરવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું છે. લોકોને ઍરલિફ્ટ કરવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.’

national news uttarakhand