29 December, 2022 10:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : ચીન સહિત અનેક દેશોમાં કોરોનાના કેસ વધવાના કારણે દેશમાં ઓચિંતી કોવિડ વૅક્સિનની ડિમાન્ડ વધી ગઈ છે. દિલ્હી અને કેટલાંક રાજ્યોમાં વૅક્સિનની શૉર્ટેજ છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે વૅક્સિનના ૧૨ લાખ ડોઝની માગણી કરી હતી અને હવે ઉત્તરાખંડ સરકારે પણ વૅક્સિનની માગણી કરી છે. નોંધપાત્ર વાત એ છે કે માત્ર છ દિવસમાં વૅક્સિનના કુલ ડોઝની સંખ્યા એક લાખ વધી ગઈ છે.
ચીનમાં કોરોનાના કેસના કારણે ભયાનક સ્થિતિની વિગતો બહાર આવવા લાગી એમ દેશમાં વૅક્સિન લેનારા લોકોની સંખ્યા વધતી ગઈ. જેમ કે ૧૮ ડિસેમ્બરે કોરોનાના કુલ ૬૫૬૫ ડોઝ, ૧૯ ડિસેમ્બરે ૫૨,૫૨૬ ડોઝ, ૨૦ ડિસેમ્બરે ૫૨,૮૪૧ ડોઝ, ૨૧ ડિસેમ્બરે ૬૯,૨૦૪ ડોઝ, ૨૨ ડિસેમ્બરે ૮૭,૯૧૩ ડોઝ, ૨૩ ડિસેમ્બરે ૧,૦૫,૦૫૭ કુલ ડોઝ અને ૨૪ ડિસેમ્બરે ૧,૦૭,૧૨૨ કુલ ડોઝ અપાયા હતા. ૨૫ ડિસેમ્બરે ક્રિસમસના કારણે કુલ ડોઝની સંખ્યા ઘટીને ૨૭,૩૪૮ રહી હતી. ૨૬ ડિસેમ્બરે ફરી ૧,૦૪,૭૬૭ ડોઝ, જ્યારે ૨૭ ડિસેમ્બરે ૮૧,૮૩૩ ડોઝ અપાયા હતા.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડના ૪૧૦ કરોડ રૂપિયાના મૂલ્યના બે કરોડ ડોઝ ફ્રીમાં સરકારને આપશે
મહામારીના ડરની સાથે કોરોનાની વૅક્સિનની ડિમાન્ડ વધી છે ત્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારને ફ્રીમાં કૉવિશિલ્ડ વૅક્સિનના બે કરોડ ડોઝની ઑફર કરી છે. એક સત્તાવાર સૂત્ર અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં ગવર્નમેન્ટ ઍન્ડ રેગ્યુલેટરી અફેર્સના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંહે આરોગ્ય મંત્રાલયને ૪૧૦ કરોડ રૂપિયાના મૂલ્યના ડોઝ ફ્રીમાં આપવાની ઑફર આપતો પત્ર લખ્યો છે.
બાયોલૉજિકલ ઈ અને ભારત બાયોટેકની પાસે ૨૫ કરોડ ડોઝનો સ્ટૉક
હૈદરાબાદની બે મુખ્ય વૅક્સિન કંપનીઓ બાયોલૉજિકલ ઈ લિમિટેડ અને ભારત બાયોટેકની પાસે કોરોનાની રસીના ૨૫ કરોડ ડોઝ રેડી છે. ઑર્ડર મળતાં જ એને ડિસ્પેચ કરવામાં આવી શકે
છે. બાયોલૉજિકલ ઈની પાસે એની કોવિડ વૅક્સિન કોર્બેવૅક્સના ૨૦ કરોડ ડોઝ છે, જ્યારે ભારત બાયોટેકની પાસે કોવૅક્સિનના પાંચ કરોડ ડોઝ છે.