16 March, 2023 11:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ કોરોનાની મહામારીથી જનજીવન સંપૂર્ણપણે ટ્રેક પર આવી ગયું છે. જોકે આવી સ્થિતિમાં વધુ એક વખત કોરોના ટેન્શન વધારી રહ્યો છે. બીજી તરફ ઇન્ફ્લુએન્ઝા વાઇરસના કેસ પણ વધી રહ્યા છે. લોકો શરદી-ખાંસી અને તાવની સમસ્યાઓને લઈને હૉસ્પિટલોમાં પહોંચી રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અનેક વાઇરસના કેસ આવી રહ્યા હોવાના કારણે લોકોએ અલર્ટ રહેવાની જરૂર છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે ત્યારે એક્સપર્ટ્સ અનુસાર આ વધારા માટે XBB.1 વેરિઅન્ટનો ઝડપથી ફેલાતો સબ-વેરિઅન્ટ XBB.1.16 જવાબદાર હોઈ શકે છે. કોરોનાના વેરિઅન્ટ્સને ટ્રક કરતાં એક ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ અનુસાર આ સબ-વેરિઅન્ટની સૌથી વધુ સીક્વન્સિસ ભારતમાં (૪૮), એના પછી બ્રુનેઈ (૨૨), યુનાઇટેડ સ્ટેટ્સ (૧૫) અને સિંગાપોરમાં (૪) છે.
આ પણ વાંચો: દુનિયાનાં ૫૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોના લિસ્ટમાં ૩૯ ભારતમાં
કેટલાક રિપોર્ટ્સ અનુસાર ઓછામાં ઓછા આ ચાર દેશોમાં આ સબવેરિઅન્ટના કેસમાં ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. આખી દુનિયામાં કોરોનાના વેરિઅન્ટ્સને ટ્રેક કરતાં એક્સપર્ટ્સે કેટલાક પ્રદેશોમાં XBB.1.16ના કેસિસમાં ઝડપથી વધારો થતો હોવાનું જોયું છે.
ભારતમાં આ સબવેરિઅન્ટની ૪૮ સીક્વન્સીસ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં ૩૯ સીક્વન્સીસ, ગુજરાતમાંથી આઠ અને યુપીમાંથી એક સીક્વન્સ સામેલ છે.
આ પહેલાં XBB.1ના સબ-વેરિઅન્ટ XBB.1.5ના સમગ્ર દુનિયામાં કેસ આવ્યા હતા, પરંતુ ભારતમાં નહીં. જોકે XBB.1.16 ચોક્કસ મ્યુટેશન્સના કારણે દુનિયાભરમાં ચિંતાનો વિષય છે.
ભારતમાં ૧૧૭ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ૬૦૦થી વધુ નોંધવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગઈ કાલના ડેટા અનુસાર ઍક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪૧૯૭ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૧૮ કેસો નોંધાયા હતા.