ભારતમાં ૨૩ ઇન્ટરનૅશનલ ટ્રાવેલર્સ કોવિડ પૉઝિટિવ આવ્યા

27 December, 2022 10:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગયા જિલ્લાના મેડિકલ ઑફિસર ઇન-ચાર્જ ડૉ. રંજનકુમાર સિંહે જણાવ્યું હતું કે એક કવાયતના ભાગરૂપે વીક-ઍન્ડમાં ગયામાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આ ફૉરેનર્સની ટેસ્ટ્સ કરાવવામાં આવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ભારતમાં જુદા-જુદા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ્સ પર કુલ ૨૩ ઇન્ટરનૅશનલ ટ્રાવેલર્સ કોવિડ પૉઝિટિવ આવ્યા છે. 

બિહારમાં ધર્મયાત્રા માટે થાઇલૅન્ડથી ચાર અને મ્યાનમારથી આવનારા એક એમ કુલ પાંચ ફૉરેનર્સ કોરોના પૉઝિટિવ આવ્યા છે. ગયા જિલ્લાના મેડિકલ ઑફિસર ઇન-ચાર્જ ડૉ. રંજનકુમાર સિંહે જણાવ્યું હતું કે એક કવાયતના ભાગરૂપે વીક-ઍન્ડમાં ગયામાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આ ફૉરેનર્સની ટેસ્ટ્સ કરાવવામાં આવી હતી. આ અઠવાડિયાના અંતમાં દલાઈ લામાના પ્રવચનમાં ભાગ લેવા માટે બોધ ગયા જનારા લોકોની ટેસ્ટ્સ કરાવવામાં આવી રહી છે. આ વીક-ઍન્ડ દરમ્યાન ૩૩ વિદેશીઓની ટેસ્ટ્સ કરાવવામાં આવી હતી, જેમાંથી ચાર મહિલાઓ સહિત પાંચ જણ પૉઝિટિવ આવ્યા છે. 

કલકત્તા ઍરપોર્ટ પર એક બ્રિટિશ નાગરિક સહિત ફૉરેનથી આવનારી બે વ્યક્તિઓ કોરોના પૉઝિટિવ આવી છે. બ્રિટિશ પાસપોર્ટ પર એક મહિલા ક્વાલા લમ્પુરથી કલકત્તા આવી હતી, જ્યારે એક મેલ પૅસેન્જર દુબઈથી આવ્યો હતો. 

બૅન્ગલોરમાં કેમ્પેગૌડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ૧૨ ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સ કોવિડ પૉઝિટિવ આવ્યા છે. અધિકારીઓ અનુસાર ચીનથી પાછો ફરનારો ૩૭ વર્ષનો એક પુરુષ બૅન્ગલોરમાં કોવિડ પૉઝિટિવ આવ્યો છે. 

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે મ્યાનમારથી આવેલા ચાર ઇન્ટરનૅશનલ ટ્રાવેલર્સ પણ પૉઝિટિવ આવ્યા છે. જીનોમ સીક્વન્સિંગ માટે તેમના સૅમ્પલ લેવામાં આવ્યા છે. 

દરમ્યાન કોરોનાના કારણે કોઈ ગંભીર સ્થિતિ સરજાય તો એનો સામનો કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તૈયાર રહે એની ખાતરી કરવા માટે બુધવારે દેશભરની અનેક હૉસ્પિટલોમાં મૉક-ડ્રિલ કરવામાં આવશે; જેમાં આરોગ્ય સુવિધા અવેલેબેલ છે કે નહીં, આઇસોલેશન બેડ્સની કૅપેસિટી, ઑક્સિજનની સુવિધા ધરાવતા બેડ અને વેન્ટિલેટર્સની સુવિધા ધરાવતા બેડ્સ, ડૉક્ટર્સ અને નર્સિસ અવેલેબેલ છે કે નહીં, આયુષ ડૉક્ટર્સ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સની ઉપલબ્ધતા જેવા માપદંડો પર ફોકસ કરવામાં આવશે. 

કર્ણાટકમાં અનેક જગ્યાએ માસ્ક ફરજિયાત, ન્યુ યર સેલિબ્રેશન રાતે એક વાગ્યા સુધી જ

કર્ણાટક સરકારે મૂવી થિયેટર, સ્કૂલ-કૉલેજોમાં માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ બનાવ્યો છે. બાર, રેસ્ટોરાં અને પબ્સમાં એન્ટ્રી માટે વૅક્સિનેશનના બે ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે, જેને ન્યુ યર માટે સીટિંગ કૅપેસિટી સુધી જ ઑપરેટ કરી શકાશે. ન્યુ યર સેલિબ્રેશન રાતે એક વાગ્યા સુધી જ ચાલશે. એ ઉપરાંત ન્યુ યર માટે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય એવાં સ્થળોએ માસ્ક પહેરવો ફરજિયાત છે. બાળકો, પ્રેગ્નન્ટ મહિલાઓ અને સિનિયર સિટિઝન્સને આવી જગ્યાએ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

new delhi indira gandhi international airport delhi airport mumbai airport covid19 coronavirus national news