11 March, 2023 11:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : દિલ્હીની કોર્ટે ગઈ કાલે એક્સાઇઝ પૉલિસી સંબંધિત મની લૉન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ૧૭ માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા છે.
વરિષ્ઠ જજ એમ. કે. નાગપાલે મની લૉન્ડરિંગ તપાસવિરોધી એજન્સીને કસ્ટડીમાં આપના નેતાની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. ઈડીએ ૧૦ દિવસ માટે મનીષ સિસોદિયાની કસ્ટડી માગી હતી. આપના નેતાની કસ્ટડી પર ચુકાદો આપતાં પહેલાં કોર્ટે ઈડી અને મનીષ સિસોદિયાના વકીલોની દલીલો સાંભળી હતી.
ઈડીના વકીલે એવો આરોપ મૂક્યો હતો કે મનીષ સિસોદિયાએ કૌભાંડ વિશે ખોટાં નિવેદનો આપ્યાં હતાં અને રિમાન્ડ પર લઈને એ ગુનેગારોની મોડસ ઑપરેન્ડીનો પર્દાફાશ કરવા માગે છે તથા અન્ય આરોપીઓ સાથે તેમનાં નિવેદનોની સરખામણી કરવા માગે છે.
વડોદરા (પી.ટી.આઇ.) : ગુજરાતના વડોદરા શહેરમાં હિપોપૉટેમસે એના પાંજરામાં ઝૂ ક્યુરેટર અને સિક્યૉરિટી સુપરવાઇઝર પર હુમલો કરતાં તેમને ગંભીર ઈજા પહોંચી હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. બન્ને ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે તથા સિક્યૉરિટી સુપરવાઇઝરની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ ઘટના ગુરુવારે સાંજે બની હતી, જ્યારે સુધરાઈ દ્વારા સંચાલિત સયાજીરાવ ઝૂનો ક્યુરેટર રૂટીન રાઉન્ડના ભાગરૂપે પાંજરાના પ્રાણીઓના ચેકિંગની પોતાની ફરજ બજાવવા હિપોપૉટેમસના પાંજરામાં ગયો હતો. રોષે ભરાયેલા હિપોપૉટેમસે ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યૉરિટી સુપરવાઇઝર ઇથાપ રોહિદાસ પર હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. તેમને મલ્ટિપલ ફ્રૅક્ચર થયું છે.
પટનાઃ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ જૉબના બદલામાં જમીનના કેસમાં ગઈ કાલે મની લૉન્ડરિંગના આરોપોની તપાસના સંબંધમાં દિલ્હીમાં બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવના નિવાસસ્થાન સહિત નૅશનલ કૅપિટલ રીજન, પટના, રાંચી અને મુંબઈમાં ૨૪ જગ્યાએ દરોડા પાડ્યા હતા.
આ અઠવાડિયાની શરૂઆતમાં સીબીઆઇએ આ કેસના સંબંધમાં દિલ્હીમાં લાલુ યાદવની, જ્યારે પટનામાં રાબડીદેવીની પૂછપરછ કરી હતી.
લાલુ પ્રસાદ યાદવની ત્રણ દીકરીઓ અને આરજેડીના નેતાઓની પ્રિમાઇસિસમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે સર્ચ કર્યું હતું. આ કેસમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ૨૦૦૪થી ૨૦૦૯ દરમ્યાન લાલુના પરિવાર અને એના સાથીઓને મફતમાં કે સસ્તા ભાવે જમીન આપીને રેલવેમાં અનેક લોકોને નોકરી આપવામાં આવી હતી.