05 October, 2025 07:50 AM IST | Jabalpur | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના જબલપુરમાં ફાર્મા કંપનીમાં ગઈ કાલે રેઇડ પાડીને કૉલ્ડ્રિફ કફ સિરપની બૉટલોનું પરીક્ષણ કરતા ડ્રગ ઍન્ડ ફાર્માસ્યુટિકલ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી
છેલ્લા એક વીકમાં કૉલ્ડ્રિફ કફ સિરપને કારણે બાળકોનું સ્વાસ્થ્ય કથળવાથી માંડીને મૃત્યુ થવા સુધીની ઘટનાઓ સામે આવતાં મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. મધ્ય પ્રદેશના છિંદવાડામાં તો છેલ્લા ૨૭ દિવસમાં ૧૦ બાળકોનાં મૃત્યુ નોંધાયાં છે. આ તમામ બાળકો પાંચ વર્ષથી નાની વયનાં છે. પહેલું મૃત્યુ ૭ સપ્ટેમ્બરે થયું હતું. ૧૫ દિવસ પછી અચાનક કિડની ફેલ થવાથી એક પછી એક ૬ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. મધ્ય પ્રદેશના સ્ટેટ ફૂડ ઍન્ડ ડ્રગ કન્ટ્રોલર દિનેશકુમાર મૌર્યએ કહ્યું હતું કે ‘કૉલ્ડ્રિફ સિરપમાં ડાયઇથિલિન ગ્લાયકોલ નામનું કેમિકલ મળી આવ્યું હતું જે નિયત માત્રા કરતાં અનેકગણું વધુ હતું. એને કારણે સિરપની ઝેરી અસર થઈ હતી.’
કૉલ્ડ્રિફ કફ સિરપનું મૅન્યુફૅક્ચરિંગ તામિલનાડુના કાંચીપુરમમાં થઈ રહ્યું છે. બાળકોનાં મૃત્યુના કેસ બહાર આવતાં તામિલનાડુ સરકારે એ કફ સિરપના ઉત્પાદન અને વેચાણ બન્ને પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રાજ્યમાં આ દવાનો જથ્થાબંધ કે રીટેલ સ્ટૉક જ્યાં પણ છે ત્યાંથી એને જપ્ત કરી લેવાનું શરૂ થયું છે.
બીજી તરફ રાજસ્થાનના ભરતપુર અને સીકરમાં પણ કફ સિરપ પીવાને કારણે બે લોકોનાં મૃત્યુ થયાં છે. રાજસ્થાનના ડેક્સ્ટ્રોમેથોર્ફેન હાઇડ્રોબ્રોમાઇડ નામના કફ સિરપને કારણે બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં. એમાં પણ મોતનું કારણ કિડની-ફેલ્યરને ગણવામાં આવ્યું હતું. આ દવા કૅન્સસ ફાર્મા નામની પ્રાઇવેટ કંપની તૈયાર કરે છે.
રાજસ્થાન સરકારે કૅન્સસ ફાર્મા કંપની પર ઍક્શન લઈને એની તમામ ૧૯૯ પ્રકારની દવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કંપનીની પ્રોડક્ટ્સને ક્લીન ચિટ આપનારા રાજ્યના ડ્રગ કન્ટ્રોલર રામારામ શર્માને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેરલાનાં હેલ્થ મિનિસ્ટર વીણા જ્યૉર્જે કહ્યું હતું કે સ્ટેટ ડ્રગ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટે રાજ્યમાં કૉલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.
કેન્દ્ર સરકારે ઍડ્વાઇઝરી બહાર પાડી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે એક હેલ્થ ઍડ્વાઇઝરી બહાર પાડીને કહ્યું હતું કે...
* બે વર્ષથી નાની ઉંમરનાં બાળકોને શરદી કે ખાંસી માટે કોઈ પણ પ્રકારનું કફ સિરપ ન આપવું.
* બાળકોમાં શરદી-ખાંસીની તકલીફ દવા આપ્યા વિના પણ મટી જાય છે. એ માટે બાળકોને ગરમ પાણી પીવડાવો અને પાણીની વરાળનો નાસ આપી શકાય.
* પાંચ વર્ષથી મોટા બાળકને જો સિરપ આપવામાં આવે તો એ પછી ખૂબ કડક નિગરાની રાખવી જરૂરી છે. એનો ડોઝ પણ ઓછો રાખવા ઉપરાંત એ બહુ ઓછા સમય માટે આપવામાં આવે એ જરૂરી છે.