18 December, 2022 09:09 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બીજિંગઃ ચીનમાં કોરોનાને કારણે મોતનું પ્રમાણ વધુ એક વખત ખૂબ જ વધી રહ્યું છે. જોકે ચીનની સરમુખત્યારશાહી ઑથોરિટી એના પર પડદો પાડવાની ભરપૂર કોશિશ કરી રહી છે. ડેથ-સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોનાને બદલે અન્ય બીમારીઓ જણાવવામાં આવી રહી છે. સ્થિતિ એ છે કે ગઈ કાલે બીજિંગમાં સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે લાંબી કતારો જોવા મળી હતી. ચીનના સ્મશાનગૃહોમાં કામ કરનારા કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મિયુન ફ્યુનરલ હોમના એક કર્મચારીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે હવે અમારી પાસે મૃતદેહોને લાવવા માટે ઓછાં વાહનો અને કર્મચારીઓ છે. અમારા અનેક વર્કર્સ પૉઝિટિવ આવ્યા છે. અન્ય એક કર્મચારીએ જણાવ્યું હતું કે એક મૃતદેહને અંતિમસંસ્કાર માટે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડી હતી. કોરોનાથી સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ તેના ડેથ-સર્ટિફિકેટમાં કારણ ન્યુમોનિયા લખાય છે. દસ દિવસથી તો કોરોનાને કારણે થતાં મોત નોંધાતાં કે જણાવાતાં જ નથી.