ચીન ઉપરાંત બીજા દેશો પણ વધારી રહ્યા છે ટેન્શન, ભારત હાઈ અલર્ટ પર

22 December, 2022 11:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જપાનમાં છેલ્લા એક અઠવાડિયામાં અહીં દસ લાખથી પણ વધારે પૉઝિટિવ કેસ આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : ચીનમાં વધુ એક વખત કોરોના વાઇરસ કેર વર્તાવી રહ્યો છે. સત્તાવાર આંકડા ભલે ન આવ્યા હોય, પરંતુ સ્મશાનો અને હૉસ્પિટલોની તસવીરો અને વિડિયોસ જોતાં જ 
સ્થિતિ ખૂબ ભયાનક હોવાનો ચિતાર મળે છે, જેના કારણે ભારત પણ હાઈ અલર્ટ મોડમાં છે. જોકે માત્ર ચીનમાં જ નહીં, પરંતુ અમેરિકા અને જપાન સહિત અન્ય કેટલાક દેશોમાં પણ વધુ એક વખત કોરોનાના કેસ વધી રહ્યા છે. 

જપાનમાં કોરોનાનો કેર જપાનમાં પણ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં અહીં દસ લાખથી પણ વધારે પૉઝિટિવ કેસ આવ્યા છે. એના પહેલાંના અઠવાડિયાની સરખામણીમાં નવા કેસમાં ૧૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. જપાનમાં છેલ્લા સાત દિવસમાં ૧૦,૬૫,૩૧૧ નવા કેસ આવ્યા છે. એટલું જ નહીં, ૧૬૮૭ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. મૃત્યુઆંક એના પહેલાંના અઠવાડિયાની સરખામણીમાં છેલ્લા સાત દિવસમાં ૧૮ ટકા વધ્યો છે.

સાઉથ કોરિયામાં ચાર લાખથી વધુ કેસસાઉથ કોરિયામાં પણ છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસ વધ્યા છે. અહીં છેલ્લા સાત દિવસમાં કોરોનાના નવા ૪,૬૧,૪૭૩ કેસ આવ્યા છે. અહીં એક અઠવાડિયામાં કેસમાં લગભગ સાત ટકાનો વધારો થયો છે. 

ફ્રાન્સમાં સાડાત્રણ લાખથી વધારે કેસ છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના સૌથી વધુ કેસના મામલે ફ્રાન્સ ત્રીજા નંબરે છે. અહીં ૩,૫૮,૩૫૯ નવા કેસ આવ્યા છે. એ સિવાય ૭૩૯ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. 

બ્રાઝિલને કોરોના ડરાવી રહ્યો છે બ્રાઝિલમાં પણ નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં અહીં નવા કેસમાં ૨૦ ટકાનો વધારો થયો છે. બ્રાઝિલમાં એક અઠવાડિયામાં ૨,૭૮,૩૬૯ નવા કેસ આવ્યા છે. 

અમેરિકામાં પણ ખરાબ સ્થિતિ અમેરિકામાં આ પહેલાં કોરોનાની મહામારીનું અત્યંત ખરાબ સ્વરૂપ જોવા મળ્યું હતું. અહીં છેલ્લા સાત દિવસમાં કોરોનાના કારણે ૧૪૯૭ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૨,૪૪,૪૬૪ નવા કેસ આવ્યા છે. 

national news coronavirus china covid19 new delhi