22 March, 2023 04:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત (India)માં કોરોના ફરી પોતાની ભીંસ વધારી રહ્યો છે. દેશમાં એક દિવસમાં કોરોના વાઇરસ (Coronavirus)ના 796થી વધુ કેસ સામે આવ્યા છે. હાલ દેશમાં 5,026 એક્ટિવ કેસ છે. દેશમાં 109 દિવસો બાદ ફરી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પાંચ હજારને પાર પહોંચી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવારે સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ કર્ણાટક, પુડ્ડુચેરી અને ઉત્તર પ્રદેશમાં સંક્રમણથી એક-એક દર્દીનાં મોત થયા છે, જેને કારણે મૃત્યુઆંક વધીને 5,30,795 થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ભારતમાં હાલ દેશમાં કોવિડ-19ના 5,026 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાનો રિકવરી રેટ 98.80 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 4,41,57,685 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ગયા છે, જ્યારે કોવિડ-19નો મૃત્યુદર 1.19 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, દેશમાં રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન અંતર્ગત કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે 220.94 ડૉઝ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ભારતમાં સાત ઑગસ્ટ 2020માં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઑગસ્ટ 2020માં 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020માં 40 લાખથી વધુ થઈ ગઈ હતી.
ભારતમાં કોવિડ-19 કોરોનાના કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખની સંખ્યા વટાવી ગયા હતા. 28 સપ્ટેમ્બર 2020ના રોજ આ આંકડો 60 લાખ થઈ ગયો હતો. 11 ઑક્ટોબર 2020માં 70 લાખ, 29 ઑક્ટોબર 2020માં 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખથી વધુ થઈ ગયા હતા.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાનો જેલવાસ વધ્યો,હવે રાઉઝ એવન્યુ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
ઉલ્લેખનીય છે કે દેશમાં 19 ડિસેમ્બર 2020એ આ કેસનો આંકડો એક કરોડ વટાવી ગયો હતો. 4 મે 2021ના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને 23 જૂન 2021એ ત્રણ કરોડથી વધુ થઈ ગઈ હતી. ગયા વર્ષે 25 જાન્યુઆરીએ સંક્રમણની સંખ્યા 4 કરોડ કરતાં વધુ થઈ ગઈ હતી.