30 December, 2024 08:47 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
તમામ બાંધકામની સમીક્ષા કરવામાં આવી રહી છે
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘રામ મંદિરનું બાંધકામ ૨૦૨૫ના જૂન સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. સપ્ટેમ્બર મહિના સુધીમાં દિવાલ અને શૂ રૅક્સ તૈયાર થશે અને એવિયેશન સિક્યૉરિટી માટે ટાવરના બાંધકામની ચકાસણી કરવામાં આવી રહી છે.’
આ મુદ્દે મીડિયા સાથેની વાતચીતમાં નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે ‘અમે જૂન ૨૦૨૫ સુધીમાં તમામ બાંધકામ પૂરું કરવા માગીએ છીએ. મ્યુઝિયમમાં ૮૫ ભીંતચિત્રો બનાવવામાં આવશે અને એમાંથી ૬૦ ચિત્રો તૈયાર થઈ ગયાં છે. ભગવાન રામનાં ૬ ભીંતચિત્રો સહિત ૨૧ ભીંતચિત્રો પૂરાં થઈ ગયાં છે. પરિક્રમા માટે ગ્રાઉન્ડ ફ્લોર પહેલા અને બીજા માળે નવી ટાઇટેનિયમની જાળીઓ બનાવવામાં આવી રહી છે. સૌથી મોટો પડકાર રાઇઝિંગ ટાવરના બાંધકામને પૂરું કરવાનો છે, જેની ઉડ્ડયન સુરક્ષાની પણ તપાસ કરવામાં આવી રહી છે.’
આ પહેલાં શનિવારે નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે ‘તમામ બાંધકામની સમીક્ષા કરવામાં આવી રહી છે અને એ પછી મંદિરના બાંધકામને પૂરું કરવાની સમયરેખા અમે નક્કી કરીશું. દિવાલ માટે ૮,૪૦,૦૦૦ ઘનફુટ પથ્થરો નાખવાના છે અને એ પૈકી માત્ર ત્રણ લાખ ઘનફુટ પથ્થર નાખવાના બાકી છે. છ મંદિરો ધરાવતા અને એક કિલોમીટરમાં ફેલાયેલી દિવાલનું કામ જૂન સુધીમાં પૂરું કરવાની આશા છે.’
ચાર દરવાજાને સંતોનાં નામ
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિએ નક્કી કર્યું છે કે રામ મંદિરના દક્ષિણ અને ઉત્તરના ચાર દરવાજાઓને અયોધ્યાના આદરણીય સંતોનાં નામ આપવામાં આવશે.