03 August, 2024 10:54 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
કેરલાના વાયનાડના ભૂતપૂર્વ સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના એક દુખદ ત્રાસદી છે અને આવું પહેલાં ક્યારેય થયું નથી, કૉન્ગ્રેસ વાયનાડમાં ૧૦૦થી વધારે ઘર બાંધી આપશે. રાહુલ ગાંધી તેમનાં બહેન અને કૉન્ગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા અને કૉન્ગ્રેસના બીજા નેતાઓ સાથે વાયનાડ પહોંચ્યા હતા અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ આને રાષ્ટ્રીય આફત ગણાવી હતી અને કહ્યું હતું કે આ દુર્ઘટનાને અલગ રીતે લેવી જોઈએ અને એના માટે અલગ પ્લાન બનાવવો જોઈએ. ગઈ કાલ સાંજ સુધીમાં મૃત્યુઆંક ૩૩૪ સુધી પહોંચ્યો હતો.