કૉન્ગ્રેસે નરેન્દ્ર મોદીની સરકારને ગણાવી પેપર લીક ગવર્નમેન્ટ

21 June, 2024 09:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે પેપર-લીકની આશંકાએ UGC-NETની પરીક્ષા રદ કરતાં વિરોધ પક્ષે કર્યો હલ્લાબોલ

ગઈ કાલે દિલ્હીમાં NEE-UG અને UGC-NETના મામલે વિરોધ-પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવેલી નૅશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ્સ (NEET-UG) ૨૦૨૪ની પરીક્ષા રદ કરવાની બબાલ વચ્ચે બુધવારે રાતે કેન્દ્ર સરકારે NTA દ્વારા જ લેવામાં આવતી બીજી એક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- નૅશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET)ની પરીક્ષા રદ કરતાં વિરોધ પક્ષે કેન્દ્ર સરકાર પર જબરદસ્ત શાબ્દિક હુમલો કર્યો છે. કૉન્ગ્રેસે તો આ સરકારને ‘પેપર લીક ગવર્નમેન્ટ’નું નામ આપીને દેશમાં ‘એજ્યુકેશન ઇમર્જન્સી’ આવી ગઈ હોવાનું કહ્યું હતું.

કૉન્ગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ પર નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે ‘આપ પર ચર્ચાતો બહુત કરતે હૈં, NEET પર ચર્ચાકબ કરેંગે?’

હજી મંગળવારે જ દેશભરમાં લેવામાં આવેલી UGC-NETનું પેપર લીક થયું હોવાની આશંકાને લીધે એને રદ કરવામાં આવી છે. એજ્યુકેશન મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે ‘અમને ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન સેન્ટર (14C)ના નૅશનલ સાઇબર ક્રાઇમ થ્રેટ ઍનલિટિક્સ યુનિટ તરફથી એવાં ઇન્પુટ મળ્યાં હતાં કે આ પરીક્ષા ઈમાનદારીપૂર્વક લેવામાં નથી આવી અને એને કન્ડક્ટ કરવામાં સમાધાન કરવામાં આવ્યું છે. આ ઇન્પુટ બાદ આ પરીક્ષાની પવિત્રતા જાળવી રાખવા અને પારદર્શકતા કાયમ રાખવા માટે અમે એક્ઝામ કૅન્સલ કરવાનો નિર્ણય લીધો છે.’
નવી તારીખની જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. સરકારે આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી દીધી છે. UGC-NETની પરીક્ષા કૉલેજ અને યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપના પદ માટે લેવામાં આવે છે. વર્ષમાં બે વાર આ પરીક્ષા લેવામાં આવે છે. 

11,21,000
આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નામ ‌રજિસ્ટર કરાવ્યાં હતાં

9,08,010
રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓમાંથી આટલા સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી

congress bharatiya janata party narendra modi indian government Education national news