14 March, 2023 11:09 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
સુખજિન્દર સિંહ રંધાવા
જયપુર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં કૉન્ગ્રેસના રાજસ્થાનના ઇન્ચાર્જ સુખજિન્દર સિંહ રંધાવાએ ગઈ કાલે પુલવામાની ઘટના પર પ્રશ્નો કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું કે ‘જો મોદી ખતમ થઈ જશે તો દેશ બચી જશે અને જો મોદી ટકશે તો દેશ બરબાદ થઈ જશે. મોદી દેશભક્તિની વાતો કરે છે. તેઓ જાણે પણ છે કે દેશભક્તિ શું છે?’
રંધાવાએ કહ્યું કે ‘અમારી લડાઈ અદાણી સાથે નથી, બીજેપી સાથે છે. બીજેપીને ખતમ કરો, અદાણી-અંબાણી આપોઆપ ખતમ થઈ જશે. જ્યારે કૉન્ગ્રેસ આવશે ત્યારે અદાણી-અંબાણી નહીં આવે, બન્નેએ જેલમાં જવું પડશે. અમારા અનેક નેતાઓએ તેમને સાથે નથી લીધા, એનું ધ્યાન રાખવું પડશે.’
અમે અમારા તમામ નેતાઓને તેમની લડાઈ બંધ કરીને મોદી-બીજેપીનો અંત લાવવા વિશે વાત કરવાનું કહ્યું છે એમ કહીને તેમણે પુલવામાની ઘટના વિશે પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે ‘મોદી કહે છે કે ઘર મેં ઘૂસકર મારેંગે. સૌપ્રથમ એ કહો કે પુલવામાની ઘટના કઈ રીતે થઈ, શું એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને નહોતી કરાઈ?
સ્વતંત્રતા ચળવળ વખતે જેલમાં ગયેલા તમામ કૉન્ગ્રેસીઓ હતા. કૉન્ગ્રેસ પરિવારની પાંચ પેઢી દેશ માટે જેલમાં ગઈ છે. આંદામાનની સેલ્યુલર જેલમાં પ્રત્યેક કૉન્ગ્રેસીનું લોહી રેડાયું છે. કૉન્ગ્રેસે દેશને આઝાદી અપાવી અને તમારા જેવા અપ્રામાણિક વ્યક્તિના હાથમાં દેશ સોંપ્યો.