03 April, 2024 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી અને શશિ થરૂરની ફાઇલ તસવીર
કેરળની તિરુવનંતપુરમ લોકસભા સીટ પરથી ફરી એકવાર કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા (Lok Sabha Elections 2024) માટે શશિ થરૂર સજ્જ થયા છે. હાલમાં તેઓ પ્રચાર કાર્ય માટે લાગી ગયા છે. ત્યારે આ પ્રચાર દરમિયાન શશિ થરૂરને એક અજીબ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેઓને પૂછવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજો કયો વિકલ્પ હોઇ શકે?
શું રસપ્રદ જવાબ આપ્યો શશિ થરૂરે?
કૉન્ગ્રેસ સાંસદે આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ જણાવ્યું હતું કે, ‘એકવાર ફરી કોઈ પત્રકારે મને એવા વ્યક્તિનું નામ આપવા કહ્યું કે જે નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે.` તેમણે આગળ જણાવ્યું કે `આ પ્રશ્ન સંસદીય પ્રણાલીમાં પ્રાસંગિક નથી. અમે કોઈ એક વ્યક્તિને પસંદ કરતાં હોતા નથી પરંતુ એક પક્ષ અથવા પક્ષોના ગઠબંધનને પસંદ કરીએ છીએ. સિદ્ધાંતો અને ઠરાવો દર્શાવે છે જે ભારતની વિવિધતા અને સર્વસમાવેશક વિકાસને જાળવી રાખવા માટે જરૂરી છે.’
તેમણે કહ્યું હતું કે મોદી (Narendra Modi)નો વિકલ્પ એક અનુભવી, સક્ષમ ભારતીય નેતા છે. જે લોકોની સમસ્યાઓનો જવાબ આપશે અને પોતાના અહંકારને ત્યજીને કામ કરશે. તેઓ વડાપ્રધાન બનવા માટે કોને પસંદ કરે છે તે બીજી બાબત છે. પહેલું કામ આપણી લોકશાહી અને વિવિધતાને બચાવવાનું છે. તેઓએ કહ્યું કે પીએમ પદ માટે કોઈ ચોક્કસ વ્યક્તિને પસંદ કરવી એ વિચાર કરવો જ ગૌણ છે. તેમણે જણાવ્યું કે આપણી લોકશાહી અને વિવિધતાનું રક્ષણ કરવું સૌથી પહેલા આવે છે.
તમને જણાવી દઈએ કે શશિ થરૂર કેરળના તિરુવનંતપુરમથી ત્રણ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. હવે તેઓ અહીથી ચોથી વખત લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) લડવાના છે. તેઓની સામે આ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર છે. આ સાથે જ શશિ થરૂર છેલ્લા કેટલાક અઠવાડિયાથી લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત જણાઈ રહ્યા છે. તિરુવનંતપુરમમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. 19 એપ્રિલથી મતદાન શરૂ થવાનું છે.
આજે ઉમેદવારી નોંધાવશે શશિ થરૂર
પ્રાપ્ત માહિતી અનુસાર શશિ થરૂર આજે તિરુવનંતપુરમથી પોતાની ઉમેદવારી (Lok Sabha Elections 2024) નોંધાવવાના છે. આ માટે તેઓ આજે બપોરે કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહે તેવી શક્યતા છે.
ચૂંટણીઓ એ સ્પર્ધા નથી
ગયા જ મહિને કૉન્ગ્રેસના અન્ય એક નેતાએ લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)માં વડા પ્રધાનપદના ચહેરાના મહત્વને નકારી કાઢ્યું હતું. કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ચૂંટણીઓ એ કઈ ‘સૌંદર્ય સ્પર્ધાઓ’ નથી અને કહ્યું હતું કે આપણા દેશમાં, પક્ષો, તેની વિચારધારા, તેના પ્રતીક, તેના પ્રચાર વચ્ચે સ્પર્ધા થાય છે.