રાહુલ ગાંધીને મણિપુરમાં મોહબ્બત અને નફરત બન્ને મળી

30 June, 2023 10:09 AM IST  |  Imphal | Gujarati Mid-day Correspondent

ઇમ્ફાલથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે કૉન્ગ્રેસના લીડરના કાફલાને કલાકો સુધી અટકાવાયો, પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણ

બિષ્ણુપુર જિલ્લામાં ગઈ કાલે મણિપુર પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા બાદ પોતાના સપોર્ટર્સ સાથે રાહુલ ગાંધી

મણિપુરમાં છેલ્લા અનેક દિવસોથી વંશીય હિંસાના કારણે તનાવજનક સ્થિતિ છે. કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધી ગઈ કાલે મણિપુરમાં પહોંચ્યા ત્યારે તેમને પણ એ તનાવનો અનુભવ થઈ ગયો હતો. રાહુલ ઇમ્ફાલમાં પહોંચ્યા બાદ રાહત કૅમ્પ્સમાં રહેલા અસરગ્રસ્તોની મુલાકાત કરવા માટે ચુરાચાંદપુર જવા માટે નીકળ્યા હતા. જોકે ઇમ્ફાલથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે બિષ્ણુપુર ખાતે તેમના કાફલાને મણિપુર પોલીસે અટકાવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે એ રૂટ પર હિંસાના ખતરાના કારણે આ કાફલાને અટકાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બિષ્ણુપુર જિલ્લામાં ઉટલોઉ ગામ પાસે હાઇવે પર ટાયરો બાળવામાં આવ્યાં હતાં અને કાફલા પર થોડા પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. રાહુલ આ રાજ્યની બે દિવસની મુલાકાતે આવ્યા છે. સિક્યૉરિટી ફોર્સિસે ટોળા પર કાબૂ મેળવવા માટે ટિયર ગૅસના શેલ્સ છોડ્યા હતા.

દરમ્યાનમાં કલાકો સુધી બિષ્ણુપુર ખાતે રાહુલના કાફલાને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા બાદ તેઓ ચુરાચાંદપુર માટે હેલિકૉપ્ટરમાં જવા રવાના થયા હતા. રાહુલ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવેલા હેલિકૉપ્ટરમાં ચુરાચાંદપુર જવા માટે રવાના થયા હતા. પોલીસ અને ઍડ્મિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓ તેમની સાથે હેલિકૉપ્ટરમાં હતા.

રાહુલ ગાંધી આખરે ચુરાચાંદપુરમાં વંશીય હિંસાને કારણે વિસ્થાપિત થનારા લોકોને મળ્યા હતા. રાહુલ એક રિલીફ કૅમ્પમાં ગયા હતા અને ત્યાં રહેતા લોકો સાથે વાતચીત કરી હતી. નોંધપાત્ર છે કે રાહુલને મણિપુરમાં મોહબ્બત અને નફરત બંને મળી હતી. જ્યાં એક તરફ તેમના સપોર્ટર્સ ઇચ્છતા હતા કે તેઓ ચુરાચાંદપુર જાય, જ્યારે બીજી તરફ તેમના વિરોધીઓ તેમની વિઝિટનો વિરોધ કરી રહ્યા હતા.

બિષ્ણુપુરમાં ગઈ કાલે કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીના કાફલાને અટકાવવામાં આવ્યા બાદ પોલીસ સાથે ઘર્ષણ કરી રહેલા સ્થાનિક લોકો.  પી.ટી.આઇ.બિષ્ણુપુરમાં ગઈ કાલે કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીના કાફલાને અટકાવવામાં આવ્યા બાદ પોલીસ સાથે ઘર્ષણ કરી રહેલા સ્થાનિક લોકો (તસવીર : પી.ટી.આઇ.)

શાસકોને પ્રેમથી સખત નફરત છે : કૉન્ગ્રેસ
કૉન્ગ્રેસે એક ટ્વીટ કરીને જણાવ્યું કે ‘રાહુલ ગાંધી મણિપુર હિંસાના અસરગ્રસ્તોને મળવા જઈ રહ્યા હતા. બીજેપી સરકારે પોલીસ તહેનાત કરીને તેમને રસ્તામાં રોક્યા. રાહુલજી શાંતિનો મેસેજ લઈને મણિપુર ગયા છે. સત્તામાં રહેલા લોકોને શાંતિ, પ્રેમ અને એકતાથી સખત નફરત છે. તેમણે યાદ રાખવું જોઈએ કે આ દેશ ગાંધીના માર્ગે ચાલશે, આ દેશ પ્રેમના માર્ગે ચાલશે.’

આર્મી અને તોફાનીઓ વચ્ચેના ફાયરિંગમાં એકનું મોત
મણિપુરમાં ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લાના બૉર્ડર એરિયામાં ઇન્ડિયન આર્મી અને હથિયારધારી તોફાનીઓની વચ્ચે ફાયરિંગ થયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હરાઓથેલ ગામમાં એક હુમલાના પગલે આ ઘટના બની હતી. એ એરિયામાં તહેનાત આર્મીના જવાનો દ્વારા જવાબમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 

લોકો રાહુલ ગાંધીને સવાલ કરી રહ્યા છે કે કૉન્ગ્રેસે એટલી ભૂલો શા માટે પહેલાં કરી હતી કે અત્યાર સુધી એનો ઉકેલ આવતો નથી. જે જીદથી તેઓ આગળ વધ્યા એ યોગ્ય નથી. - સંબિત પાત્રા, બીજેપીના પ્રવક્તા

manipur congress rahul gandhi national news