અમેઠીમાંથી રાહુલ ગાંધીની પીછેહઠ, સો​નિયા ગાંધીની સલામત રાયબરેલી બેઠક પરથી નોંધાવી ઉમેદવારી

04 May, 2024 12:45 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે ગાંધી પરિવારના વફાદાર કિશોરીલાલ શર્માને ટિકિટ

રાયબરેલીની નજીક આવેલા ફુર્સતગંજ ઍરફીલ્ડ પર ઊતરીને રાહુલ ગાંધી બહેન પ્રિયંકા સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા અને ફૉર્મ ભરતી વખતે માતા સોનિયા ગાંધી પણ ઉપસ્થિત હતાં.

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ઉમદવારી નોંધાવી હતી. આ સાથે લાંબા સમયથી જે સસ્પેન્સ રહ્યું હતું એનો અંત આવ્યો હતો. વાયનાડની ચૂંટણી પૂરી થયા બાદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં અમેઠી કે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરશે એવી ચર્ચા હતી. હવે તેમણે અમેઠીના બદલે રાયબરેલી બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. અમેઠીમાં કૉન્ગ્રેસે લાંબા સમય સુધી ગાંધી પરિવારના વફાદાર કાર્યકર ​કિશોરીલાલ શર્માને ટિ​કિટ ફાળવી છે. અમેઠી અને રાયબરેલી બેઠક પર ચૂંટણીના પાંચમા તબક્કામાં ૨૦ મેએ મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશમાં કૉન્ગ્રેસ ૧૭ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ઉત્તર પ્રદેશમાં કૉન્ગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.

ગાંધી પરિવારની પરંપરાગત બેઠક અમેઠી પર ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીનો પરાજય થયો હતો તેથી આ બેઠક પર ફરી સ્મૃતિ ઈરાનીનો સામનો કરવાના બદલે તેમણે ૨૦૧૯માં સોનિયા ગાંધીએ જે બેઠક પરથી વિજય મેળવ્યો હતો એ રાયબરેલી બેઠકની પસંદગી કરી હતી. રાહુલ ગાંધીએ ગઈ કાલે ઉમેદવારી નોંધાવી ત્યારે તેમની સાથે મમ્મી સોનિયા ગાંધી, બહેન ​પ્રિયંકા ગાંધી વાડ્રા, રૉબર્ટ વાડ્રા અને કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ મ​લ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યાં હતાં.

રાયબરેલીનું કૉન્ગ્રેસ માટે મહત્ત્વ
રાયબરેલીની બેઠક કૉન્ગ્રેસની સૌથી સલામત બેઠક ગણાય છે. આ બેઠક પર કૉન્ગ્રેસે ૨૦ ચૂંટણી પૈકી ૧૭ વાર વિજય મેળવ્યો હતો. રાહુલ ગાંધીના દાદા અને ઇન્દિરા ગાંધીના પ​​તિ ફિરોઝ ગાંધી પણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.

સિ​ટિંગ વડાં પ્રધાનનો પરાજય
રાયબરેલી બેઠક પર કૉન્ગ્રેસને ૧૯૭૭માં નાલેશીનો પણ સામનો કરવો પડ્યો હતો. કટોકટી ઉઠાવી લીધા બાદ યોજાયેલી ચૂંટણીમાં સિ​ટિંગ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી આ બેઠક પર જનતા પાર્ટીના રાજનારાયણ સામે પરા​જિત થયાં હતાં. ૨૦૧૪ અને ૨૦૧૯માં સોનિયા ગાંધી આ બેઠક પર જીત્યાં હતાં. જોકે આ વખતે તેમણે સ્વાસ્થ્યનું કારણ આપીને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં એન્ટ્રી મારી છે.

કોણ છે કિશોરીલાલ શર્મા?
ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર કૉન્ગ્રેસે લાંબા સમય સુધી ગાંધી પરિવારના વફાદાર રહેલા કાર્યકર ​કિશોરીલાલ શર્માને ટિ​કિટ ફાળવી છે. આમ આ બેઠક પર હવે BJPનાં સ્મૃતિ ઈરાની સામે કૉન્ગ્રેસના ​કિશોરીલાલ શર્માનો મુકાબલો છે. અમેઠી બેઠક પર ગાંધી પરિવારના સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જીત મેળવી છે પણ ૨૦૧૯માં રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની સામે હારી ગયાં હતાં.

કિશોરીલાલ શર્મા માટે જીતવું આસાન નહીં હોય, કારણ કે ૨૦૧૯માં રાહુલ ગાંધીને પરાજિત કરનારાં સ્મૃતિ ઈરાનીએ આ બેઠક પર પ્રચાર શરૂ કરી દીધો છે અને તેઓ સતત લોકસંપર્કમાં રહે છે. BJPએ ઘણા સમય પહેલાં તેમનું નામ જાહેર કરી દીધું હતું. કિશોરીલાલ શર્મા ઘણા લાંબા સમયથી અમેઠી અને રાયબરેલીમાં સંસદસભ્યોના પ્ર​તિનિધિ તરીકે કામ કરે છે. કૉન્ગ્રેસના કાર્યકરોનું માનવું છે તેમણે આ બે બેઠકો પર કરેલા પાયાભૂત કામને લીધે તેમને ટિકિટ આપવામાં આવી છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં ​કિશોરીલાલ શર્માએ કહ્યું હતું કે હું ૪૦ વર્ષથી અમેઠીમાં કામ કરું છું, કૉન્ગ્રેસે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ઉમેદવારી આપી એથી હું કૉન્ગ્રેસનો આભારી છું. ​

કિશોરીલાલ શર્મા પંજાબના લુ​​ધિયાણામાં જન્મ્યા છે અને ચાર દશકથી કૉન્ગ્રેસ 
સાથે સંકળાયેલા છે. ૧૯૮૭થી તેઓ રાજીવ ગાંધી સાથે કામ કરતા હતા અને ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ તેમના ગાંધી પ​રિવાર સાથેના સંબંધો ઘ​નિષ્ઠ થયા હતા. ૧૯૯૯માં સો​નિયા ગાંધી અમેઠીમાં ચૂંટણી લડ્યાં એ સમયે તેમણે ગ્રાઉન્ડ લેવલે ઘણું કામ કર્યું હતું અને સોનિયાને જીત મળી હતી.

મમ્મીએ મને સંપૂર્ણ ભરોસા સાથે પરિવારની કર્મભૂમિ સોંપી છે ઃ રાહુલ ગાંધી

ગઈ કાલે રાયબરેલીમાં નૉમિનેશન પેપર દાખલ કર્યા બાદ રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘રાયબરેલીની બેઠક પરથી નૉમિનેશન દાખલ કરવું એ મારા માટે ભાવુક પળ હતી. મારી મમ્મીએ મને સંપૂર્ણ ભરોસા સાથે પરિવારની કર્મભૂમિ સોંપી છે. રાયબરેલી અને અમેઠી મારા માટે અલગ-અલગ નથી, બન્ને મારા પરિવાર છે. અન્યાયની ખિલાફ ચાલી રહેલી ન્યાયની આ જંગમાં હું તમારી પાસેથી મહોબ્બત અને આશીર્વાદ માગું છું. મને વિશ્વાસ છે કે બંધારણ અને લોકતંત્રને બચાવવાની આ લડાઈમાં તમે મારી સાથે ઊભા છો.’ રાહુલની જેમ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી જેમાં તેમણે કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં મમ્મીએ કહ્યું હતું કે મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે, એ રાયબરેલીમાં પૂરો થાય છે.

અમેઠીમાં જ રહેશે ​પ્રિયંકા ગાંધી
અમેઠીની બેઠક પર રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા નથી પણ ​કિશોરીલાલ શર્માના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી સોમવારથી અમેઠીમાં જ રહેશે અને આખા પ્રચારનો દોર સંભાળી લેશે. તેઓ પ્રચાર સમયે અમેઠીની બહાર જવાનાં નથી. કિશોરીલાલ શર્મા વિશે બોલતાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે ‘તેઓ ગાંધી પરિવાર સાથે ઘરોબો ધરાવે છે. તેઓ અમેઠી અને રાયબરેલીના લોકોની સેવામાં વ્યસ્ત છે અને તેઓ ઉદાહરણરૂપ સેવા કરે છે. તેમની સમર્પણભાવથી કામ કરવાની આદતના લીધે તેઓ આ ચૂંટણીમાં જીત મેળવશે એ નક્કી છે.’

અમેઠીના લોકોનો ​વિજય થયો : સ્મૃ​તિ ઈરાની
રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડવાનો ​નિર્ણય કર્યો એ મુદ્દે અમેઠીનાં BJPનાં ઉમેદવાર સ્મૃ​તિ ઈરાનીએ અમેઠીના લોકોનો ​વિજય થયો છે એમ જણાવીને કહ્યું હતું કે ‘ગાંધી પ​રિવારનો કોઈ સભ્ય અમેઠીમાં લડવા તૈયાર નથી એ સંકેત છે કે કૉન્ગ્રેસે ચૂંટણી પહેલાં જ પરાજયનો સ્વીકાર કરી લીધો છે. પાંચ વર્ષમાં અમેઠીમાં વિકાસ શક્ય બન્યો છે તો કૉન્ગ્રેસ બે દાયકામાં કેમ કોઈ કામ કરી શકી નહીં? છેલ્લાં ત્રણ વર્ષથી અમેઠીમાં કૉન્ગ્રેસનો કોઈ કાર્યકર લોકોની સાથે નથી. જેનો અમેઠીએ અસ્વીકાર કર્યો તે અમેઠી છોડીને વાયનાડ જતા રહ્યા. તેઓ પૂર્ણત: રાયબરેલીના પણ નહીં થઈ શકે.’

rahul gandhi congress bharatiya janata party sonia gandhi uttar pradesh Lok Sabha Election 2024 smriti irani