07 April, 2023 12:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન અને બીજેપીના સિનિયર નેતા પીયૂષ ગોયલની હાજરીમાં બીજેપીમાં જોડાનારા કૉન્ગ્રેસના સિનિયર નેતા એ. કે. ઍન્ટનીના પુત્ર અનિલ ઍન્ટની. તસવીર પી.ટી.આઇ.
કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એ. કે. ઍન્ટનીનો પુત્ર અનિલ ઍન્ટની ગઈ કાલે બીજેપીમાં જોડાયો હતો. અનિલ કેરલા કૉન્ગ્રેસના નેતા હતા. તેમણે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોમાં પીએમ નરેન્દ્ર મોદી વિશેની બીબીસીની ડૉક્યુમેન્ટરીને લઈને વિવાદ થયા બાદ જાન્યુઆરીમાં પાર્ટી છોડી હતી.
બીજેપીના નેતાઓ પીયૂષ ગોયલ, વી મુરલીધરન તેમ જ પાર્ટીના કેરલા યુનિટના અધ્યક્ષ કે. સુરેન્દ્રને કૉન્ગ્રેસના આ ભૂતપૂર્વ નેતાને ગઈ કાલે બીજેપીમાં આવકાર્યા હતા. અનિલ ઍન્ટનીએ ગઈ કાલે મીડિયાને જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસનો દરેક કાર્યકર્તા માને છે કે તેઓ એક પરિવાર માટે કામ કરી રહ્યા છે, પરંતુ હું માનું છું કે હું દેશ માટે કામ કરી રહ્યો છું. આ બહુધ્રુવીય દુનિયામાં ભારતને અગ્રણી સ્થાન અપાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાસે સ્પષ્ટ વિઝન છે.’
બીજેપીના નેતા પીયૂષ ગોયલે કહ્યું હતું કે ‘અનિલ ઍન્ટની બહુમુખી પ્રતિભા છે. અમને વિશ્વાસ છે કે દક્ષિણ ભારતમાં બીજેપીનો વ્યાપ વધારવામાં તેઓ ખૂબ સક્રિય ભૂમિકા ભજવશે.’ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. ઍન્ટનીએ તેમનો દીકરો અનિલ બીજેપીમાં જોડાતાં તેમની વેદના અને નિરાશા રજૂ કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં ઍન્ટનીએ કહ્યું કે મેં સાંપ્રદાયિક અને ભાગલા પાડવાના એજન્ડાને કારણે બીજેપી અને આરએસએસનો હંમેશાં વિરોધ કર્યો છે.