ખેડૂતોએ કૉન્ગ્રેસને તમાચો મારીને જણાવી દીધું કે તેઓ ભારત સાથે છે, BJP સાથે છે

09 October, 2024 08:55 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ખેડૂતોએ કૉન્ગ્રેસને તમાચો મારીને જણાવી દીધું કે તેઓ ભારત સાથે છે, BJP સાથે છે; ગીતાની ધરતી પર વિકાસનો વિજય થયો

દિલ્હીમાં BJPના હેડક્વૉર્ટરમાં ગઈ કાલે નરેન્દ્ર મોદી.

હરિયાણાના ઐતિહાસિક વિજય અને જમ્મુ-કાશ્મીરની ‘સફળતા’ પછી નરેન્દ્ર મોદીનું કાર્યકરોને સંબોધન

ગબ્બર ઇઝ બૅક

હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં ગઈ કાલે જાહેર થયેલાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ હરિયાણામાં સતત ત્રીજી વાર સત્તા મળવીને હૅટ-ટ્રિક કરી છે અને ૨૦૧૪માં ૪૭ અને ૨૦૧૯માં ૪૦ બેઠકોની સરખામણીમાં આ વખતે ૪૮ બેઠકો મેળવીને ઇતિહાસ સરજ્યો છે. એક્ઝિટ પોલના તમામ વરતારા ખોટા પાડ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં BJPએ ૨૦૧૪માં ૯૦માંથી પચીસ બેઠકો જીતી હતી, પણ આ વખતે ૨૯ બેઠકો જીતીને તેનો અગાઉ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ‌ અને કાશ્મીરમાં સૌથી વોટ-શૅર BJPનો છે.

હરિયાણામાં સતત ત્રીજી વાર સત્તામાં વાપસી તથા જમ્મુ અને કાશ્મીરમાં ૨૯ બેઠકો પર જીત બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યાલયમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતને ટાર્ગેટ કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો કૉન્ગ્રેસ એક ભાગ છે. નરેન્દ્ર મોદી શું-શું બોલ્યા એ વાંચો...

ભારતના અર્થતંત્રને નબળું પાડવા માટે આંતરરાષ્ટ્રીય કાવતરાં ઘડવામાં આવી રહ્યાં છે, લોકશાહી અને ભારતીય સમાજને નબળો પાડવા માટે કાવતરાં ઘડવામાં આવી રહ્યાં છે, કૉન્ગ્રેસ ભારતના સમાજને કમજોર કરીને ભારતમાં અરાજકતા ફેલાવી દેશને કમજોર કરવા માગે છે. તેઓ સમાજના વિવિધ વર્ગોને ભડકાવી રહ્યા છે. તેઓ સતત આગ લગાડવાની કોશિશ કરી રહ્યા છે. દેશે જોયું છે કે ખેડૂતોને કેવી રીતે ભડકાવવાની કોશિશ થઈ, પણ હરિયાણાના ખેડૂતોએ તેમના ગાલ પર તમાચો મારતો ચુકાદો આપ્યો છે. તેમણે જણાવી દીધું છે કે તેઓ ભારત સાથે છે, BJP સાથે છે. દલિતો અને પછાત વર્ગના લોકોને ઉશ્કેરવાની ખૂબ કોશિશ થઈ પણ સમાજ તેમના ઇરાદા જાણી ગયો છે. મોટા ભાગનાં રાજ્યોમાં લોકોએ કૉન્ગ્રેસ માટે નો એન્ટ્રીનાં બોર્ડ લગાવી દીધાં છે.
 આજે આખો દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે કૉન્ગ્રેસ આપણા સમાજમાં જાતિનું ઝેર ફેલાવવા પર ઊતરી આવી છે. જે લોકો મોંમાં સોનાની ચમચી સાથે પેદા થયા છે તેઓ ગરીબોને જાતિના નામે લડાવવા માગે છે. આપણા દલિત, આદિવાસી અને પછાત જાતિએ ભૂલવું ન જોઈએ કે આ કૉન્ગ્રેસ જ હતી જેણે એમના પર સૌથી વધારે અત્યાચાર કર્યા છે. તેમણે જ દશકાઓ સુધી રોટી, કપડા અને મકાનથી વંચિત રાખ્યાં છે.

હરિયાણાના લોકોનો હું આભાર માનું છું, તેમણે દરેક જગ્યાએ કમળ ખીલાવી દીધું છે. દરેક ધર્મ અને જાતિના લોકોએ મત આપ્યા છે અને ગીતાની ધરતી પર વિકાસની જીત થઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં શાંતિપૂર્વક ચૂંટણી એ ભારતીય બંધારણની જીત થઈ છે. હું જમ્મુ અને કાશ્મીરના લોકો અને નૅશનલ કૉન્ફરન્સને તેની જીત માટે અભિનંદન આપું છું.

national news india bharatiya janata party narendra modi jammu and kashmir haryana assembly elections political news congress