હિમાચલમાં કૉન્ગ્રેસને મળી ટેમ્પરરી રાહત?

29 February, 2024 09:38 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

બજેટ પસાર થયા બાદ સદનની કાર્યવાહી અનિશ્ચિત મુદત સુધી સ્થગિત થઈ જતાં કૉન્ગ્રેસને ડૅમેજ કન્ટ્રોલ કરવાનો સમય મળી ગયો : જોકે બીજેપીના ઑપરેશન લોટસનો ડર કાયમ

ગઈ કાલે ટેન્શન હળવું થયા બાદ હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિન્દરસિંહ સુખ્ખુએ કૉન્ગ્રેસના વિધાનસભ્યો સાથે શિમલામાં તારાદેવી મંદિરમાં દર્શન કર્યાં હતાં.

શિમલા : રાજ્યસભાની ચૂંટણીથી શરૂ થયેલા રાજકીય કલહનો રેલો હવે સુખ્ખુ સરકાર સુધી પહોંચ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના છ વિધાનસભ્યોએ પક્ષના આદેશ વિરુદ્ધ જઈને ક્રૉસ વોટિંગ કર્યું તો એના બીજા જ દિવસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય ​સિંહે સુખવિંદરસિંહ સુખ્ખુના નેતૃત્વ હેઠળની સરકારમાંથી પ્રધાનપદેથી રાજીનામું આપીસરકાર પર વિધાનસભ્યોને નજરઅંદાજ કરવાનો આરોપ મૂક્યો અને એવો દાવો પણ કર્યો કે ઘણા વિધાનસભ્યો સરકારથી નારાજ છે. જોકે ગઈ કાલે રાત્રે તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું. 
 આ પહેલાં ગઈ કાલે દિવસ દરમ્યાન સુખ્ખુના રાજીનામાની પણ ચર્ચા ચાલી હતી. આથી, સુખ્ખુ સામે ‍આવ્યા અને સ્પષ્ટ શબ્દોમાં ક્હ્યું કે હું એક યોદ્ધો છું. દરેક પડકાર સામે લડવાની મારી તૈયારી છે. રાજીનામાના સમાચારોને તેમણે અફવા ગણાવી કહ્યું કે અમારી પાસે બહુમત છે, જે સદનમાં મતદાનથી સ્પષ્ટ થઈ જશે અને અમે પાંચ વર્ષ સરકાર ચલાવીશું. 

કૉન્ગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ક્રૉસ વોટિંગ કરનારા શાસક પક્ષના છ વિધાનસભ્યો હિમાચલ પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા જયરામ ઠાકુરને પણ મળ્યા હતા. ક્રૉસ વોટિંગ બાદ હરિયાણાથી પંચકુલા ગયેલા છ વિધાનસભ્યો વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવા શિમલા પહોંચ્યા તો તેઓ પૈકી અમુકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ બીજેપી સાથે છે. આ બાબત પણ કૉન્ગ્રેસની નેતાગીરી સામે બગાવતનો સ્પષ્ટ સંદેશ છે. વિધાનસભાની આંકડાની રમત કૉન્ગ્રેસ સરકારથી વિપરીત નજર આવી રહી છે, પરંતુ સુખ્ખુ સરકાર પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવાનો દાવો કરી રહી છે. કૉન્ગ્રેસ મીડિયા વિભાગના ચૅરમૅન જયરામ રમેશે કહ્યું છે કે અમારી પ્રાથમિકતા  સરકારને બચાવવાની અને ઑપરેશન લોટસને ફેલ કરવાની છે. 

વિધાનસભામાં બજેટ પસાર થયા બાદ સદનની કાર્યવાહી અનિશ્ચિત મુદત સુધી સ્થગિત થઈ ગઈ છે.
સુખ્ખુ સરકારને હાલમાં કામચલાઉ રાહત મળી ગઈ છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ રાહત કેટલા દિવસ સુધી રહેશે અને સરકાર પર છવાયેલાં સંકટનાં વાદળ વિખેરાઈ જશે? સુખ્ખુ સરકાર કમસે કમ વિધાનસભાના આગામી સત્ર સુધી સુરક્ષિત થઈ ગઈ છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે કોઈ સરકાર પાસે પર્યાપ્ત સંખ્યાબળ છે કે કેમ એ બાબતે સંશયની સ્થિતિ સર્જાય તો રાજ્યપાલ કોઈ પણ સમયે સદનમાં બહુમત સાબિત કરવા કહે છે. આ સ્થિતિમાં સુખ્ખુ સરકારને રાહત મળવાથી કૉન્ગ્રેસને ડૅમેજ કન્ટ્રોલ કરવા સમય અવશ્ય મળી ગયો છે, પરંતુ ડૅમેજ કન્ટ્રોલ કઈ રીતે કરશે? 

સ્પીકર કૉન્ગ્રેસના છે. આથી વ્હીપના ઉલ્લંઘનના મામલામાં છ બંડખોર વિધાનસભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં આંકડાની રમત બદલાઈ જશે. ૬૮ સભ્યોની વિધાનસભામાં સંખ્યાબળ ૬૨ થઈ જશે. આથી બહુમતનો આંકડો ૩૨ પર આવી જશે.​ વિક્રમાદિત્યને દૂર કરવામાં આવે તો પણ કૉન્ગ્રેસ પાસે ૩૩ સભ્યોનું સમર્થન હાલમાં છે. આથી સુખ્ખુ સરકાર ખાલી પડેલી છ બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ આવે નહીં ત્યાં સુધી સુરક્ષિત થઈ જશે.

national news congress himachal pradesh