03 September, 2024 10:50 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં માધબી પુરી બુચ પર આક્ષેપો કરતા કૉન્ગ્રેસના પવન છેડા.
અમેરિકાના શૉર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)નાં ચૅરપર્સન માધબી પુરી બુચ પર આરોપો લગાવવામાં આવ્યા બાદ તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. એમાં હવે કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આરોપ લગાવ્યો છે કે SEBIનાં ચૅરમૅન પદે હોવા છતાં માધબીને ICICI બૅન્કમાંથી પણ પગાર મળતો હતો અને આ કંપની માટે તેમણે ધારાધોરણોમાં છૂટ આપી હતી. આ હિતોના સંઘર્ષનો કેસ છે.
આ મુદ્દે ગંભીર આરોપ લગાવતાં પવન ખેડાએ કહ્યું હતું કે ‘SEBIના અધ્યક્ષનું કામ શૅરબજારનું સુચારુરૂપે સંચાલન કરવાનું છે જ્યાં કરોડો લોકો તેમનાં નાણાં રોકે છે. આ પદ મહત્ત્વનું છે. એની નિમણૂક અપૉઇન્ટમેન્ટ્સ કમિટી ઑફ ધ કૅબિનેટ, વડા પ્રધાન અને ગૃહપ્રધાન કરે છે. SEBI-પ્રમુખની નિમણૂક કરતી આ કમિટીમાં બીજા બે સભ્ય પણ છે. SEBIનાં ચૅરમૅન માધબી પુરી બુચે ૨૦૧૭થી ૨૦૨૪ વચ્ચે ICICI બૅન્કમાંથી પણ ૧૬.૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સિવાય તેમને બૅન્કની ઍસેટ મૅનેજમેન્ટ ફન્ડ ICICI પ્રુડેન્શિયલમાંથી પણ આ સમયગાળા દરમ્યાન આવક થતી હતી. માધબી પુરી બુચ SEBIનાં ફુલ ટાઇમ મેમ્બર હતાં તો પણ તેમને ICICI બૅન્કમાંથી પગાર કેવી રીતે મળતો હતો?’
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રુપના મુદ્દે તેમના પર આરોપ લાગ્યા હતા અને એ મુદ્દે માધબી પુરી બુચે ખુલાસો કરીને આરોપો ફગાવી દીધા હતા. અદાણી ગ્રુપે પણ આ આરોપો ફગાવી દીધા હતા.