15 March, 2023 11:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી પર બીજેપીના હુમલા વધારતા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ગઈ કાલે કહ્યું હતું કે જ્યારે એક સંસદસભ્ય વિદેશમાં જઈને ભારતની લોકશાહીની વિરુદ્ધ વાત કરે ત્યારે સંસદ માત્ર સાક્ષી બનીને ન રહી શકે. લોકસભા અને રાજ્ય સભાની કાર્યવાહી શરૂ થતાં જ હંગામો મચી ગયો હતો. જેને કારણે સંસદનાં બન્ને ગૃહોને મોકૂફ રાખવામાં આવ્યાં હતાં. રાહુલની કમેન્ટ્સને લઈને સળંગ બીજા દિવસે બીજેપી અને કૉન્ગ્રેસની વચ્ચે શાબ્દિક લડાઈ ચાલી હતી. ભારતીય લોકશાહી જોખમમાં હોવાનું રાહુલે લંડનમાં નિવેદન આપ્યું હતું ત્યારથી સતત તેઓ બીજેપીના નેતાઓના ટાર્ગેટ પર છે.
બીજેપીએ આ મામલે રાહુલ માફી માગે એવી માગણી કરી હતી અને જણાવ્યું હતું કે તમામ પાર્ટીઓના સંસદસભ્યોએ તેમના નિવેદનની ટીકા કરવી જ જોઈએ. લોકસભામાં કૉન્ગ્રેસના નેતા મણિકમ ટાગોરે કહ્યું હતું કે ‘રાહુલ માફી માગે એનો સવાલ જ નથી. તેમણે યોગ્ય જ કહ્યું હતું કે લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે.’
એક ટ્વિટર પોસ્ટમાં ટાગોરે વિદેશોમાં નરેન્દ્ર મોદીની કેટલીક કમેન્ટ્સને પોસ્ટ કરીને જણાવ્યું હતું કે વિદેશોમાં ભારતનું અપમાન કરવા બદલ તેમણે અચૂક માફી માગવી જોઈએ. કૉન્ગ્રેસના આ નેતાએ લખ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ અચૂક માફી માગવી જોઈએ. તેમણે વિદેશોમાં ભારતનું અપમાન કર્યું હતું.’
કૉન્ગ્રેસના સંસદસભ્ય અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ‘શું આ પહેલાં જોવા મળ્યું છે કે શાસક પાર્ટીના તમામ મેમ્બર્સ સંસદની કામગીરી અટકાવવા માટે હંગામો મચાવે? કેન્દ્ર સરકારે માફી માગવી જોઈએ.’