10 March, 2025 06:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહિલાઓને આપેલા વચનને પૂરું કરવા માટે મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગઈ કાલે મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ પાત્ર મહિલાઓને માસિક ૨૫૦૦ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજનાને મંજૂરી આપી હતી અને આ નાણાકીય વર્ષ માટે ૫૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.
મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં એની જાહેરાત કરી હતી.
આ યોજનાના માપદંડોની વિગતો હજી જાહેર થવાની બાકી છે, પણ સૂત્રોએ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ ૧૮થી ૬૦ વર્ષની આશરે ૧૫થી ૨૦ લાખ મહિલાઓને મળવાનો અંદાજ છે જેમની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા સુધીની હોય. આ યોજનામાં ગરીબીરેખા હેઠળના વર્ગના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ યોજના માટે લાભાર્થી છેલ્લાં પાંચ વર્ષથી દિલ્હીનો રહેવાસી હોવો જોઈએ અને તેનું બૅન્ક-ખાતું આધાર કાર્ડ સાથે લિન્ક હોવું જરૂરી છે. જોકે મહિલા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓએ વિધવા પેન્શન જેવી અન્ય કોઈ પણ સરકારી નાણાકીય સહાય યોજના માટે નોંધણી ન કરાવી હોવી જોઈએ.