તમે કેસ લડશો તો વકીલોને મજા પડશે

01 October, 2024 11:10 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઉચ્ચ શિક્ષિત મહિલાને આપસી સમજૂતીથી ડિવૉર્સ લેવાની સલાહ આપીને ચીફ જસ્ટિસે કહ્યું... તમે કેસ લડશો તો વકીલોને મજા પડશે

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ

એક ઉચ્ચ શિક્ષિત મહિલાને ગઈ કાલે કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે આપસી સહમતીથી છૂટાછેડા લેવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ‘તમે કેસ લડશો તો વકીલોને ફાયદો થશે. તેઓ કમાણી કરશે.’

ડિવૉર્સ કેસની ટ્રાયલના ટ્રાન્સફરની સુનાવણીમાં ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેન્ચ પૈકી ચીફ જસ્ટિસે તેમને આપસી સમજૂતીથી કેસ પૂરો કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે લાંબો કેસ લડવાની જરૂર નથી, એમાં વર્ષો બરબાદ થશે અને વકીલોને એનાથી ફાયદો થશે. 

ચીફ જસ્ટિસે મહિલાને તેની ડિગ્રી બાબતે પૂછતાં તેણે અમેરિકામાં MTech (માસ્ટર્સ ઇન ટેક્નૉલૉજી) અને PhD (ડૉક્ટર ઑફ ફિલોસૉફી)ની ડિગ્રી મેળવી હોવાનું જણાવ્યું હતું. તેની પાસે હાલમાં નોકરી ન હોવાનું પણ તેણે જણાવ્યું હતું. એ સમયે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘તમારે સૌથી પહેલાં નોકરી શોધી લેવી જોઈએ. કેસ લડવામાં તમે ૧૦ વર્ષ ગુમાવશો. તમારા વકીલોને ફાયદો થશે. તમે બેઉ શા માટે આપસી સમજૂતીથી છૂટાં પડવા નથી માગતાં? ત્યાર બાદ ક્રિમિનલ કેસ થશે. જો તમે આપસી સમજૂતીથી છૂટાં પડવા માગતાં હો તો અમે હમણાં જ કેસ બંધ કરી દઈશું. તમે એકમેકની પાછળ વારંવાર ન જઈ શકો. જો તમે અભણ અને અશિક્ષિત હોત તો વાત અલગ હતી. તમે ક્વૉલિફાઇડ છો, તમને નોકરી પણ મળી શકે એમ છે.’

supreme court justice chandrachud national news Crime News chief justice of india