મારો વિશ્વાસ કરો, જો તમારામાં આસ્થા છે તો ઈશ્વર સદૈવ રસ્તો કાઢી આપશે

22 October, 2024 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ કહે છે કે અયોધ્યાકેસના ચુકાદા માટે હું રીતસર ભગવાનની સામે બેસી ગયો હતો

ડી. વાય. ચંદ્રચૂડ

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ભગવાનમાં વિશ્વાસ હોય તો જરૂર ઉપાય નીકળે છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ એવો કેસ હતો જેમાં નિર્ણય કરવાનું કઠિન હતું; પણ મેં આ મામલે ભગવાનને પ્રાર્થના કરી, હું તેમની સામે જ બેસી ગયો.’

ડી.વાય. ચંદ્રચૂડના પૈતૃક ગામ પુણે જિલ્લાના ખેડ તાલુકામાં આવેલા કાન્હેરસરમાં ગઈ કાલે તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના લોકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘અમારી પાસે ઘણી વાર એવા કેસ આવે છે જેમાં સમાધાન પર પહોંચવું મુશ્કેલ હોય છે. અયોધ્યાકેસ પણ આવો જ કેસ હતો. એ ત્રણ મહિના માટે મારી સામે હતો. હું ભગવાન સામે બેઠો અને તેમને કહ્યું કે તેમણે જ આનો ઉકેલ શોધવાની જરૂર છે. હું નિયમિત ભગવાનને પ્રાર્થના કરું છું. મારો વિશ્વાસ કરો, જો તમારામાં આસ્થા છે તો ઈશ્વર સદૈવ કોઈ રસ્તો જરૂર કાઢી આપશે.’

રામજન્મભૂમિ કેસ

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ૨૦૧૯ની ૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉપરાંત હાલના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તથા ન્યાયમૂર્તિઓ એસ. એ. બોબડે, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નઝીરનો સમાવેશ થતો હતો. આ ચુકાદા બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર બાંધવાનો માર્ગ ખૂલ્યો હતો. એક સદી કરતાં પણ જૂના કેસમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવામાં આવી છે. 

ayodhya ayodhya verdict chief justice of india justice chandrachud national news