મણિપુરમાં હિંસાની આગમાં ચીન ઘી હોમી રહ્યું છે

02 June, 2023 10:56 AM IST  |  Imphal | Gujarati Mid-day Correspondent

ડ્રૅગન કન્ટ્રી મ્યાનમારમાં થઈને મણિપુરમાં ઉગ્રવાદીઓને હથિયારો મોકલી રહી છે અને સોશ્યલ મીડિયા પર આ રાજ્યના લોકોને ઉશ્કેરી રહી છે

મણિપુરના ઇમ્ફાલમાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ. તસવીર પી.ટી.આઇ.

ભારતની વિરુદ્ધ સતત કાવતરાં રચી રહેલા ચીનનો ટાર્ગેટ એરિયા અત્યારે મણિપુર છે. મણિપુરમાં હિંસામાં અત્યાર સુધી ૮૦થી વધુ લોકોનાં મોત થયાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીન મ્યાનમારમાં થઈને મણિપુરમાં ઉગ્રવાદીઓને હથિયારો મોકલી રહ્યું છે, જેથી આ રાજ્યમાં હિંસા વધે અને લોકો એકબીજાના દુશ્મન બની જાય. ડ્રૅગન કન્ટ્રીનો બદઇરાદો મણિપુરને ભારતથી અલગ કરવાનો છે. નોંધપાત્ર છે કે આ પહેલાં ૨૦૨૧માં ચીને મણિપુરમાં હુમલાની જવાબદારી સ્વીકારનારા ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મીને ફન્ડ પૂરું પાડ્યું હતું. 

મણિપુરમાં ૨૯ મેએ હુમલો કરનારા બળવાખોરોની પાસેથી જે હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે એ મેડ ઇન ચાઇના છે. આ બળવાખોરોની પાસેથી ચાઇનીઝ હૅન્ડ ગ્રેનેડ અને એક રાઇફલ અને ડિટોનેટર સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જેનાથી કન્ફર્મ થયું હતું કે ચીન મ્યાનમાર થઈને મણિપુરમાં હથિયારો સપ્લાય કરી રહ્યું છે. ચીન માત્ર હથિયારો નથી મોકલતું, બલકે સોશ્યલ મીડિયા દ્વારા પણ મણિપુરના લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. ચીન સોશ્યલ મીડિયા પર ખોટો દાવો કરી રહ્યું છે કે મણિપુરના લોકો ભારતની આર્મીથી આઝાદીની લડાઈ લડી રહ્યા છે.   

હથિયાર જમા કરાવો, નહીં તો ઍક્શન લેવાશેઃ અમિત શાહ

મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાનો અંત લાવવા માટે કેન્દ્ર સરકાર ઍક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે જણાવ્યું હતું કે હાઈ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસના નેતૃત્વમાં એક જુડિશ્યલ કમિશન દ્વારા મણિપુરમાં થયેલી અથડામણની તપાસ કરવામાં આવશે. 

ઇમ્ફાલમાં ગઈ કાલે એક 

પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે મણિપુરના રાજ્યપાલ અનુસૂયા ઉઇકીના નેતૃત્વમાં એક શાંતિ કમિટી સ્થાપવામાં આવશે, જેમાં તમામ પૉલિટિકલ પાર્ટીઓ તેમ જ સામાજિક સંગઠનો સિવાય કુકી અને મૈતેઈ સમુદાયોના પ્રતિનિધિઓ રહેશે. 

તેમણે હથિયારો ધરાવતા દરેક જણને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘તમારાં હથિયારો પોલીસમાં જમા કરાવો. આજથી કૉમ્બિંગ ઑપરેશન શરૂ થશે. જો પોલીસને આ ઑપરેશનમાં કોઈની પણ પાસેથી હથિયારો મળશે તો તેની વિરુદ્ધ ઍક્શન લેવામાં આવશે.’ આર્મી અને પોલીસ હથિયારો માટે સમગ્ર રાજ્યમાં શોધ અભિયાન ચલાવી રહ્યા છે. ડ્રોન્સ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તેમણે મણિપુરમાં આ હિંસા પાછળનાં મોટાં કાવતરાં તેમ જ પાંચ અપરાધિક કાવતરાંની સીબીઆઇ દ્વારા તપાસની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હિંસા ટેમ્પરરી તબક્કો હતો, ગેરસમજ દૂર થશે અને સ્થિતિ ટૂંક સમયમાં નૉર્મલ થશે. હું ફીલ કરું છું કે ભારત અને મ્યાનમાર વચ્ચેના બૉર્ડર મુદ્દાના કાયમી ઉકેલ માટે બન્ને દેશો વચ્ચેની બૉર્ડર પર ફેન્સિંગની પ્રક્રિયાને પૂરી કરવાની જરૂર પડશે.’ 

આ સીમા પર સુરક્ષાવ્યવસ્થામાં ગાબડાંનો ગેરલાભ લઈ ડ્રગ્સનું સ્મગ્લિંગ થઈ રહ્યું હોવાની અને ઉગ્રવાદીઓ એક દેશમાંથી બીજા દેશમાં જઈ રહ્યા હોવાની વ્યાપક આશંકા છે. શાહે કહ્યું હતું કે ‘પાડોશી દેશોમાંથી આવતા લોકોના બાયોમૅટ્રિક્સ કલેક્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આઇપીએસ ઑફિસર રાજીવ સિંહ બન્યા મણિપુરના નવા ડીજીપી ત્રિપુરા કૅડરના સિનિયર આઇપીએસ ઑફિસર રાજીવ સિંહની જનહિતમાં સ્પેશ્યલ કેસ તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે મણિપુરના નવા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ તરીકે ગઈ કાલે નિમણૂક કરવામાં આવી હતી. દિલ્હીમાં સીઆરપીએફના હેડ ક્વૉર્ટર્સ ખાતે ઇન્સ્પેક્ટર જનરલ ઑફ ઑપરેશન્સ તરીકે સેવા બજાવતા ૧૯૯૩ની બેચના આઇપીએસ ઑફિસર સિંહે મણિપુરના ૧૯૮૭ની બેચના આઇપીએસ ઑફિસર પી. ડોંગેલને રિપ્લેસ કર્યા હતા, જેમના માટે ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી (ગૃહ)નું પદ ક્રીએટ કરવામાં આવ્યું છે. તેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના છે.’

amit shah manipur imphal national news