09 November, 2024 02:02 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિદાયસમારોહમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ધનંજય વાય. ચંદ્રચૂડનું બહુમાન કરતા સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના પ્રેસિડન્ટ કપિલ સિબલ તથા અન્યો.
ચીફ જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ ગઈ કાલે નિવૃત્ત થયા હતા અને સોમવારે ૧૧ નવેમ્બરે જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના એકાવનમા ચીફ જસ્ટિસ તરીકે હોદ્દો ગ્રહણ કરશે. ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ ગઈ કાલે નિવૃત્ત થયા ત્યારે છેલ્લા દિવસે તેમનું હૃદય લાગણીથી ભરાઈ ગયું હતું અને તેમની આંખોમાં અશ્રુ આવી ગયાં હતાં.
ગઈ કાલે નિવૃત્તિ વેળાએ ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે હવે હું ચુકાદા નહીં આપી શકું પણ મને મારા કામથી સંતોષ છે.
જસ્ટિસ ચંદ્રચૂડે ૨૦૨૨ની ૯ નવેમ્બરે હોદ્દો ગ્રહણ કર્યો હતો અને બે વર્ષનો તેમનો કાર્યકાળ ગઈ કાલે પૂરો થયો હતો.
જસ્ટિસ ચંદ્રચૂડે આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે મને મારા રજિસ્ટ્રાર જુડિશ્યલે પૂછ્યું હતું કે વિદાય સમારોહનું આયોજન કેટલા વાગ્યે કરવામાં આવે ત્યારે મેં બપોરે બે વાગ્યાનો સમય આપ્યો હતો. મને હતું કે દિવસના તમામ કેસની સુનાવણી થઈ ચૂકી હશે અને એ પછી કાર્યક્રમ થશે, પણ પછી મને થયું કે શું શુક્રવારે બપોરે બે વાગ્યા સુધીમાં કામ પૂરું થશે ખરું?’
જો મેં કોઈને કોર્ટમાં દુઃખ પહોંચાડ્યું હોય તો માફી માગું છું એમ જણાવીને તેમણે સૌને ‘મિચ્છા મિ દુક્કડં’ કહ્યું હતું.
બે વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ ચંદ્રચૂડે ઘણા મહત્ત્વના કેસમાં ચુકાદા આપ્યા હતા. કલમ 370ને નાબૂદ કરવાના વિરોધમાં થયેલી પિટિશનોને તેમણે ફગાવી દીધી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં સપ્ટેમ્બર મહિના પહેલાં ચૂંટણી યોજવાનો પણ ચુકાદો આપ્યો હતો.
ધનંજય ચંદ્રચૂડ વીગન, પણ તેમને સમોસા ખૂબ ભાવે છે : સંજીવ ખન્ના
ચીફ જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડના વિદાય સમારોહમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે ‘ધનંજય ચંદ્રચૂડ વીગન છે. તેઓ વહેલી સવારે ૪ કે ૪.૩૦ વાગ્યે જાગી જાય છે. તેઓ મીટિંગો વચ્ચે જમતા નથી, પણ તેમને સમોસા ખૂબ ભાવે છે. તેમને સંગીત સાંભળવું ગમે છે, લાંબી પદયાત્રા પણ તેમને ગમે છે. તેમને ક્રિકેટમાં પણ ઘણી રુચિ છે. તેમના જેવા થવું મુશ્કેલ છે.’
૬૧૨ ચુકાદા લખ્યા
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે ૬૧૨ ચુકાદા લખ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં ૧૨૭૪ બેન્ચ બનાવી હતી. તેમણે છેલ્લા દિવસે ૪૫ કેસની સુનાવણી કરી હતી.
યોગ કરે છે એથી યુવાન દેખાય છે
સવારે ૪ વાગ્યે જાગી જાય છે અને નિયમિત યોગ કરે છે એને કાપરણે તેમનામાં યુવાનો જેવી સ્ફૂર્તિ રહે છે.
ચીફ જસ્ટિસ બન્યા પિતા-પુત્ર, પિતાએ સંજય ગાંધીને જેલની સજા સંભળાવી હતી
જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડના પિતા વાય. વી. ચંદ્રચૂડ પણ ભારતના ચીફ જસ્ટિસ બન્યા હતા અને આમ પિતા બાદ પુત્ર પણ ચીફ જસ્ટિસ બન્યા હોય એવો ભારતમાં આ એકમાત્ર કિસ્સો છે. વાય. વી. ચંદ્રચૂડ ૧૯૭૮માં ચીફ જસ્ટિસ બન્યા હતા અને ૧૯૮૫માં તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ ૭ વર્ષ સુધી ચીફ જસ્ટિસ રહ્યા હતા. તેમણે ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’ના એક કેસમાં ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીને જેલની સજા સંભળાવી હતી.
આ પાંચ ચુકાદા માટે તેમને હંમેશાં યાદ રાખવામાં આવશે
ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ બે વર્ષ સુધી ચીફ જસ્ટિસ પદે રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે ઘણા ચુકાદા આપ્યા હતા પણ આ પાંચ ચુકાદા માટે તેમને યાદ રાખવામાં આવશે.
(૧) રાઇટ ઑફ પ્રાઇવસી
સુપ્રીમ કોર્ટની ૯ જજોની બેન્ચે ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં ચુકાદો આપ્યો હતો કે પ્રાઇવસીનો અધિકાર બંધારણની કલમ ૨૧ હેઠળ મૌલિક અધિકાર છે. જસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદો આપ્યો કે ગોપનીયતા સ્વતંત્રતા અને ગરિમા માટે જરૂરી છે. આધાર અધિનિયમને ભારતની વિશિષ્ટ ઓળખ સંખ્યા કાર્યક્રમને તેમણે માન્યતા આપી હતી.
(૨) સમલૈંગિકતા પર ચુકાદો
૨૦૧૮ની ૬ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ને આંશિક રૂપથી રદ કરી દીધી હતી. આ ૧૫૮ વર્ષ જૂનો કાયદો હતો જે સહમતીથી બે વયસ્ક લોકો વચ્ચે સમલૈંગિક સંબંધને અપરાધ માનતો હતો.
(૩) ઇલેક્ટોરલ બૉન્ડ ગેરબંધારણીય
જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે રાજકીય પાર્ટીઓને દાન આપવા માટેની વ્યવસ્થા ધરાવતાં ઇલેક્ટોરલ બૉન્ડને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યાં હતાં.
(૪) અયોધ્યા વિવાદ પર ચુકાદો
સૌથી મહત્ત્વપૂર્ણ અયોધ્યા વિવાદ કેસના ચુકાદામાં જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે જમીન મંદિરને આપી અને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં વૈકલ્પિક જમીન ફાળવી હતી. ૨૦૧૯ના નવેમ્બરમાં આ કેસમાં ચુકાદો આવ્યો હતો અને પછી જમીનની ફાળવણી કરવાની હતી.
(૫) અવિવાહિત મહિલાઓને ગર્ભપાતનો અધિકાર
જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે અવિવાહિત મહિલાઓના અધિકારમાં વધારો કરતાં ૨૪ સપ્તાહ સુધીના ગર્ભને પાડી નાખવા માટેનો અધિકાર આપ્યો હતો.
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડના કાર્યકાળમાં કોર્ટ હાઈ-ટેક બની
ચીફ જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડના કાર્યકાળમાં કોર્ટ વધુ હાઈ-ટેક બની હતી. એમાં ઈ-ફાઇલિંગમાં સુધારા, પેપરલેસ સબમિશન, પેન્ડિંગ કેસ માટે વૉટ્સઍપથી અપડેટ, ડિજિટલ સ્ક્રીન, વાઇ-ફાઇ કનેક્ટિવિટી, ઍડ્વાન્સ વિડિયો કૉન્ફરન્સિંગ, પેન્ડિંગ કેસની લાઇવ ટ્રૅકિંગ અને તમામ કોર્ટરૂમની લાઇવ સ્ટ્રીમિંગનો સમાવેશ છે.
રજાઓનું કૅલેન્ડર બદલ્યું
સુપ્રીમ કોર્ટમાં ઉનાળાની રજાઓમાં આંશિક કામ ચાલુ રહેશે અને નવા કૅલેન્ડર અનુસાર એ ૨૬ મે, ૨૦૨૫થી ૧૪ જુલાઈ સુધી રહેશે. વેકેશન જજને જજ કહેવામાં આવશે અને રવિવાર છોડીને તેમને ૯૫ દિવસથી વધારાની રજા નહીં હોય, પહેલાં ૧૦૩ દિવસ રજા રહેતી હતી.
ન્યાયદેવીનું રૂપ બદલ્યું
સુપીમ કોર્ટની લાઇબ્રેરીમાં લૅડી ઑફ જસ્ટિસનું રૂપ બદલવામાં આવ્યું હતું અને ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટાવી હતી અને તેના હાથમાં તલવારના સ્થાને બંધારણની બુક મુકાવી હતી. તેમણે સુપ્રીમ કોર્ટનો લોગો પણ બદલાવ્યો હતો.