Chhattisgarh News: પિતા બનવાની લ્હાયમાં મરઘીનું જીવતું બચ્ચું ગળી ગયો શખ્સ- ભાઈ ઉપડી ગયા ને બચ્ચું બચી ગયું!

17 December, 2024 11:42 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

Chhattisgarh News: આનંદ યાદવ નામના એક વ્યક્તિએ પિતા બનવાની લાલસામાં આવીને જીવતા મરઘીનાં બચ્ચાને ગળી લીધું હતું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

અંધવિશ્વાસમાં વ્યક્તિ કાઈપણ કરી છૂટવા તૈયાર થતો હોય છે. ખાસ કરીને આજે પણ ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં મંત્ર-તંત્રની ઘેલછામાં માણસ ન કરવાનું કરી બેસતો હોય છે. તાજેતરમાં જ છત્તીસગઢના સુરગુજામાં એક એવી ઘટના (Chhattisgarh News) બની કે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. અહીં આનંદ યાદવ નામના એક વ્યક્તિએ પિતા બનવાની લાલસામાં આવીને જીવતા મરઘીનાં બચ્ચાને ગળી લીધું હતું.

હોસ્પિટલમાં ગયા ત્યાં સુધીમાં તો આ ભાઈના રામ રમી ગયા હતા 

આ ભાઈ પોતાના ઘરમાં જ હતો. મરઘીનાં જીવતા બચ્ચાને ગળી ગયા બાદ તે જ્યારે આંગણામાં આવવાનો પ્રયાસ કરતો હતો ત્યાં જ તેને ચક્કર આવવા માંડ્યા હતા અને તે અચાનક ઢસડાઈ પડ્યો હતો. પરિવારજનો દ્વારા આ પરાક્રમીને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં તો આ ભાઈના રામ રમી ગયા હતા.

ભાઈ તો ઉપડી ગયા પણ મરઘીનું બચ્ચું જીવતું રહ્યું!

આ કેસ (Chhattisgarh News)માં ખરી બવત તો એ છે કે જ્યારે આ ભાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેને મૃત ઘોષિત કરાયો. ત્યારબાદ જ્યારે ડોકટરોની ટીમે પોસ્ટમોર્ટમ શરૂ કર્યું ત્યારે આ ભાઇનું ગળું ચિરવામાં આવ્યું હતું. જેવું ગળું ચિરવામાં આવ્યું ત્યાં જ આ ભાઈના ગળાનાં ભાગમાં મરઘીનું બચ્ચું જોવા મળ્યું, આ જોઈને ડોકટરોની ટીમ પોતે અચંબો પામી ગઈ હતી. ફોરેન્સિક ટીમના ડોક્ટરોએ જોયું કે મરઘીનું બચ્ચું જે આ ભાઈ ગળી ગયા હતા તે ગળામાં યુ આકારમાં અને શ્વસન નળી પાસે ફસાઈ ગયું હતું જેને કારણે આ ભાઈનું મોત થયું હતું.

પિતા બનવા માંગતો હતો આ ભાઈ

આ ઘટના (Chhattisgarh News) જ્યાં બની છે ત્યાંનાં લોકો કહે છે કે આ ભાઈ સ્થાનિક તાંત્રિકનાં કોન્ટેક્ટમાં હતો, આ વ્યક્તિ પિતા બન્યો નહોતો. કદાચ આ ભાઈએ પિતા બનવા માટે આ પ્રકારનું ગતકડું કર્યું હતું. જે પેલા તાંત્રિકે તેને સૂચવ્યું હોઈ શકે. અત્યારે તો સ્થાનિક પોલીસને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે, અને આ દુર્ઘટના કયા કારણોસર થઈ હતી તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

જાગૃતિ ફેલાવાઈ રહી હોવા છતાં આવા કેસ બનતા ચકચાર 

તમને જણાવી દઈએ કે પોલીસ પ્રશાસન અને અન્ય અનેક સામાજિક જાગૃતિ ફેલાવનાર સંસ્થાઓ આ વિષે વારંવાર લોકોને જાગૃત કરતાં આવ્યા છે કે અંધશ્રદ્ધા (Chhattisgarh News)નો શિકાર ન બનો. પરંતુ તેની પર પાણી ફરી વળતું હોય તેમ એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં વ્યક્તિ અંધશ્રદ્ધામાં આ હદ વટાવી જાય છે તેની કલ્પના કરતાં જ રુંવાડા ઊભા થઈ જાય છે. 

national news india chhattisgarh offbeat news Crime News