06 October, 2024 09:18 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હરિયાણાની વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન પૂરું થઈ ગયા બાદ આ રાજ્યમાં તથા જમ્મુ એન્ડ કશ્મીરમાં કોને કેટલી બેઠક મળી રહી છે અને કોણ સરકાર બનાવશે એ માટેના વિવિધ ન્યુઝ-ચૅનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલના અનુમાન મુજબ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના હાથમાંથી કૉન્ગ્રેસ સત્તા આંચકી રહી હોવાનું તો જમ્મુ-કશ્મીરમાં ફારુક અને ઓમર અબદુલ્લાની નૅશનલ કૉન્ફરન્સ અને કૉન્ગ્રેસની યુતિ આગળ હોવાનું દેખાઈ રહ્યું છે. આમ બન્ને રાજ્યમાં BJP સત્તાથી દૂર હોવાનું જણાય છે. જોકે ૮ ઑક્ટોબરે મતગણતરી થયા બાદ જ વિધાનસભાની ચૂંટણીમાં કોણ સરકાર બનાવશે એ સ્પષ્ટ થશે.
હરિયાણા
વિવિધ એક્ઝિટ પોલ મુજબ ૯૦ વિધાનસભા બેઠકમાંથી અહીં કૉન્ગ્રેસને વધુમાં વધુ ૬૧ અને ઓછામાં ઓછી ૪૪ બેઠક મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. BJPને વધુમાં વધુ ૩૨ અને ઓછામાં ઓછી ૧૫ બેઠક મળી શકે છે.
જમ્મુ એન્ડ કશ્મીર
વિવિધ એક્ઝિટ પોલ મુજબ ૯૦ વિધાનસભા બેઠકમાંથી અહીં નૅશનલ કૉન્ફરન્સ અને કૉન્ગ્રેસના ગઠબંધનને સૌથી વધુ ૫૦ અને ઓછામાં ઓછી ૩૫ બેઠક મળવાનો અંદાજ છે. આવી જ રીતે BJPને વધુમાં વધુ ૩૨ અને ઓછામાં ઓછી ૨૦ બેઠક મળી શકે છે. મેહબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP)ને વિવિધ અૅક્ઝિટ પોલની સરેરાશ મુજબ છથી ૧૨ બેઠક મળવાની ધારણા છે, જેને પગલે PDP કિંગમેકર સાબિત થઈ શકે છે. નાના પક્ષ સહિત અન્યોને છથી ૧૬ બેઠક મળવાનો અંદાજ છે, એ પણ ત્રિશંકુ વિધાનસભામાં મહત્ત્વના રહેશે.