ચંદ્રયાનના પૃથ્વી પરના લૅન્ડિંગનું સ્વાગત કરો : નેતાઓની જીભ લપસી

25 August, 2023 10:15 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડાએ બુધવારે ચંદ્ર પર ચંદ્રયાનનું લૅન્ડર ઊતરતાં પહેલાં એક ટેલિવિઝન રિપોર્ટરને આ નિવેદન આપ્યું હતું

ચંદ્રના સાઉથ પોલ પર લૅન્ડ થયેલું ઇસરોનું લૅન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન

ચંદ્રયાન-3એ બુધવારે સાંજે ચંદ્ર પર અપેક્ષિત સૉફ્ટ લૅન્ડિંગ કર્યું હતું, જેનાથી ભારત આવું કરનાર માત્ર ચોથો દેશ બન્યો અને એના દક્ષિણ ધ્રુવની આસપાસ પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. જોકે ઉત્તર પ્રદેશના રાજકારણી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું હતું કે ચંદ્રયાન-3 જ્યારે પૃથ્વી પર ઊતરશે ત્યારે સમગ્ર દેશે એનું સ્વાગત કરવું જોઈએ. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડાએ બુધવારે ચંદ્ર પર ચંદ્રયાનનું લૅન્ડર ઊતરતાં પહેલાં એક ટેલિવિઝન રિપોર્ટરને આ નિવેદન આપ્યું હતું.

જોકે આ પહેલાં રાજસ્થાનમાં રમત-ગમત પ્રધાન અશોક ચંદનાની પણ જીભ લપસી હતી અને તેમણે ચંદ્રયાનમાં સવાર મુસાફરોને સલામ કરી હતી. ચંદ્રયાનની ચંદ્ર પરની ઉડાન માનવરહિત હતી અને એના લૅન્ડર કે રોવર માટે પૃથ્વી પર પાછા ફરવાનું નથી, પરંતુ બન્ને નેતાઓના વિચારો આપણને વિચારતા કરી મૂકે એમ 
હતા.

આ ટૂંકી વિડિયો ક્લિપમાં ભૂતપૂર્વ પ્રધાન રાજભર વૈજ્ઞાનિકોને તેમના સતત સંશોધન માટે અભિનંદન આપતાં દેખાયાં હતાં. ચંદ્રયાન મિશન પર તેમણે ઉમેર્યું હતું કે હું તેમને આ માટે અભિનંદન આપું છું. આવતી કાલે જ્યારે પૃથ્વી પર એ સુરક્ષિત ઊતરશે ત્યારે સમગ્ર દેશે એનું સ્વાગત કરવું જોઈએ. રાજસ્થાનના પ્રધાન અશોક ચંદનાએ કહ્યું હતું કે જો અમે સફળ થઈએ અને સુરક્ષિત ઉતરાણ કરીએ તો હું તમામ મુસાફરોને સલામ કરું છું. 

chandrayaan 3 isro indian space research organisation uttar pradesh