03 January, 2023 11:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ચંડીગઢમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરના સત્તાવાર નિવાસસ્થાન પાસેથી ગઈ કાલે બૉમ્બ મળી આવ્યો હતો. બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. આ બાબતની તપાસમાં ઇન્ડિયન આર્મીની વેસ્ટર્ન કમાન્ડ પણ સામેલ થઈ ગઈ છે.
બપોરે ચારથી સાડાચાર વાગ્યા દરમ્યાન એક ટ્યુબવેલ ઑપરેટરે પંજાબ અને હરિયાણાના સીએમના ઘર અને હેલિપૅડની પાસે કેરીના વૃક્ષ પાસે લાઇવ બૉમ્બશેલ જોયો હતો.
ચંડીગઢ ઍડ્મિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ડિફેન્સ ફોર્સિસ એ બાબતની તપાસ કરશે કે ક્યાં આ બૉમ્બ બનાવાયો હતો અને પોલીસ તપાસ કરશે કે એ બૉમ્બને કેવી રીતે ત્યાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.
ચંડીગઢ ઍડ્મિનિસ્ટ્રેશનના નોડલ ઑફિસર કુલદીપ કોહલીએ કહ્યું હતું ‘અમને ત્યાં કોઈ અનિચ્છનીય વસ્તુ હોવાની જાણકારી મળી હતી. જોકે ચેક કર્યું તો ખબર પડી કે એ તો લાઇવ બૉમ્બશેલ છે. હવે અમે એ મામલે તપાસ કરી રહ્યા છીએ કે એને ત્યાં કેવી રીતે પ્લાન્ટ કરવામાં આવ્યો. અમે બૉમ્બ સ્ક્વૉડની મદદથી એ એરિયાને સુરિક્ષત કર્યો હતો.’